________________
૩૧૦
ઉપદેશપદ : ભાગ-૨ કરો અને કર લેવાનું મુલતવી રાખો. અને હમણાં માળી-તંબોલી વગેરેએ પોતપોતાના વ્યાપારમાં સર્વ પ્રકારે પ્રવૃત્ત થવું. યજ્ઞાવાસમાં તોરણો બંધાવો અને બળદ વગેરેથી હળથી ખેતરો ખેડાવાનું બંધ કરો તથા હાથી-ઘોડા-બળદ-ઊંટાદિને ઘાસચારો નીરો. આ પ્રમાણે માળી-તંબોલિ વગેરેએ રાજાની યથોક્ત આજ્ઞા માથે ચડાવી. રાજા પણ અપૂર્વ પ્રમોદભરને અનુભવવા લાગ્યો. (૧૧૪) - હવે બુદ્ધિમાન મંત્રીએ જયસેન વગેરે સૈન્યલોકનું એવું સન્માન કર્યું કે જેથી સમસ્ત પણ જયસેનવગેરેએ અત્યંત મસ્તક ધુણાવ્યું, અર્થાત્ ઘણાં હર્ષ પામ્યા. યથોચિત સ્થાને આવાસ અપાયો. નગરી સંતોષવાળી થઈ. પૃથ્વીતલ ઉપર મસ્તક ઝૂકાવીને કુમારે રાજાને પ્રણામ કર્યા. હર્ષપૂર્વક આલિંગન કર્યું. શંખ રાજાએ પૃથ્વીપતિનું સ્વાગત કર્યું. રાજાએ પરિજન સહિત ઉત્તમ આસન ઉપર બેઠેલા જયસેનનું ગૌરવ કર્યું. જયસેન કુમારે પણ મંત્રી વગેરે પરિવારનું ઉચિત નીતિથી સન્માન કર્યું. પછી તેઓ સિંહાસન ઉપર બીરાજમાન થયા ત્યારે પ્રશાંત-મુખ કાંતિવાળો કુમારનો વિરંગ નામનો મંત્રી કહે છે કે અમારા સ્વામીનું હૃદય તમારા ગુણોથી ઘણું હરાયું છે. દત્તવણિકે તમારાં નિર્મળ સ્વરૂપનું એવું વર્ણન કર્યું કે અમારા રાજાની ચિત્તરૂપી દીવાલમાં ટંકોત્કીર્ણની જેમ કોતરાઈ ગયું. તાત તમોને પ્રેમ નિર્ભર આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે કે, હે ધીર! દૂર બેઠેલા અમે ગુણના ભંડાર એવા તમારું ગૌરવ કઈ રીતે કરીએ? જે સુઈષ્ટ પ્રશસ્ત વસ્તુ ગુણીઓને આપતો નથી તો તેની નિપુણતા કેવી? તેની ઉદારતા પણ કેવી? તેનો ગુણો વિષે અનુરાગ પણ કેવો? તેથી તમારા ઉદારગુણના અનુરાગથી લાવણ્યકળાકલાપગુણથી યુક્ત, અતિવલ્લભ આ બાળા તમને મોકલી છે. આ બાળાને બીજા રાજકુમારો ઉપર અનુરાગ થયો નથી. શું લક્ષ્મી વિષ્ણુને છોડીને કોઈ ઉપર રાગ કરે? તેથી હે સુપુરુષ! હે પ્રણયીજનનો પ્રણય પાળવામાં પ્રવણ! આનું પાણિગ્રહણ કરીને અમારા મનને આનંદ આપ. પૂર્વે મારાથી પણ આનું કોઈ વિપ્રિય જોવાયું નથી. તેથી જેમ હાથિણી વિંધ્ય પર્વતનું સ્મરણ ન કરે તેમ તમે તેવું કરો જેથી મારી પુત્રી મારું સ્મરણ ન કરે. અથવા સુકુલમાં જન્મેલાઓની આગળ વધારે કહેવાથી શું? કારણ કે સુકુલીનો સ્વભાવથી શરણે આવેલા માટે વાત્સલ્યવાળા હોય છે. (૧૨૭)
આ પ્રમાણે નિવેદન કરીને મંત્રી વિરામ પામે છતે શંખ જેવા મધુર ધ્વનિવાળા શંખરાજા કહે છે કે, મંત્રીએ બહુ સારું કહ્યું. અહો! વિજયરાજાનું સૌજન્ય કોઈક અપૂર્વ છે. અમારા પણ ગુણોથી તેનું હૃદય તોષ પામે છે. જો કે બાળપણમાં પણ પિતાના વિયોગથી અમે રાજાપણું પામ્યા તેથી શું અમે હીન મતિવાળા પણ ગુણવાન થઈ ગયા? પુરુષના કાર્યો પરિપક્વતા આવે ત્યારે ઘણા ગુણોના રસથી પૂર્ણ થાય છે, કાચા નિર્ગુણ ફળો