________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૧૩
તૈયાર રહે છે, હંમેશા તેની કથા કરતો રહે છે. વધારે શું? શરીર અન્ય કાર્યો કરે છે પણ ચિત્ત કલાવતીમાં રહે છે. અંતઃપુર પણ સર્વ કલાવતીમય થયું. તથા તે તન્વીએ રાજાના વિશાળ પણ હૃદયને એવી રીતે રૂંધ્યું કે જેથી બીજી શોક્યો તેના હૃદયમાં થોડા પણ અવકાશને પામતી નથી. પણ તે કલાવતી ક્યારેય જૂઠું બોલવાનું શીખી નથી. પૈશૂન્ય કરવાનું શીખી નથી, ઇર્ષ્યાને અધીન થતી નથી, પોતાના સૌભાગ્યનો ગર્વ નથી. પ્રિય બોલવાનું શીખી છે, સર્વની ઉચિત પ્રતિપત્તિ કરે છે. દુઃખીઓને વિષે દયા પાળે છે. શીલ પરિપાલનમાં રાગી છે. રાજા તેના પ્રેમમાં બંધાયેલો રહે છે. પરિજન પણ તેના વડે ખુશ કરાય છે. શોક્ચવર્ગ પણ તેની વિવિધ પ્રકારે ગુણ સ્તવના કરવા લાગ્યો. તૃણસમાન મનાયા છે સ્વર્ગના સુખો જેના વડે એવી સુખસાગરમાં ડૂબેલી કલાવતી શિયાળાના દિવસોની જેમ ઝડપથી પસાર થતા દિવસોને જાણતી નથી. (૧૭૧)
હવે અન્યદા સુખે સૂતેલી રાત્રિના મધ્યભાગમાં સૂરચંદનના કર્દમથી ચર્ચિત સુવર્ણ કળશને જુએ છે. તે કળશ ક્ષીરોધિના નીરથી પૂર્ણ છે. વિદ્યુતના પુંજ સમાન ઉજ્જ્વળ છે. કમળથી મુખ ઢંકાયેલું છે. પોતાના ખોળામાં રહેલો છે. વિશિષ્ટ પ્રકારના મણિઓના સમૂહથી ચિત છે. તત્ક્ષણ જ જાગેલી રાજાને ઊઠાડીને કહે છે કે મેં હમણાં આવા પ્રકારનું સ્વપ્ન જોયું. રાજા કહે છે કે, હે દેવી! તને કુળરૂપી આકાશમાં ચંદ્ર સમાન, કુળમાટે કલ્પવૃક્ષ સમાન, કુળદીપક તથા કુળરૂપી મંદિર માટે ધ્વજ સમાન એવો ઉત્તમ પુત્ર થશે. ભલે તે પ્રમાણે થાઓ એમ માનીને તે ધી૨ ગર્ભને વહન કરે છે. વળી બીજું—બહુ ગરમ ભોજનને કરતી નથી, બહુ શીતળ ભોજનને કરતી નથી, અતિ તૃષાને સહન કરતી નથી, ગર્ભને પીડા થશે એવા ભયથી ઉતાવળી ચાલતી નથી અને હંમેશા જ ગર્ભષોષક વિવિધ ઔષધોનું પાન કરે છે. ઔષધીઓ બાંધે છે. અનેક દેવતાઓને આરાધે છે. લગભગ નવમાસ પૂર્ણ થવા આવ્યા ત્યારે કલાવતીના પિતાએ સેવકોને શંખપુર મોકલાવ્યા અને કહેવડાવ્યું કે સ્ત્રી પ્રથમ પ્રસૂતિ કરવા પિતાને ઘરે આવે છે. જયસેનકુમારે પણ કલાવતી માટે આ બે બાજુબંધ અતિ ઉચિત છે એમ જાણીને મોકલ્યા અને રાજા માટે સવિશેષ ભેટ મોકલી. ક્રમથી તેઓ શંખપુર આવ્યા અને તેઓ દત્તવણિકના પરિચયને કારણે ગજશ્રેષ્ઠીના ઘરે સન્માનપૂર્વક ઉતારો અપાયા. ભવિતવ્યતાના યોગથી તેઓ પ્રથમ કલાવતીને મળ્યા અને પિતાના કુશળ સમાચાર આપ્યા અને આગમનનું પ્રયોજન જણાવ્યું. (૧૮૨)
૧. ઔષધીઓ ત્રણ પ્રકારની છે. (૧) દૈવ વ્યપાશ્રય (૨) યુક્તિ વ્યપાશ્રય અને (૩) સત્ત્તાજય. (૧) દૈવવ્યપાશ્રય-મંત્ર, મંગલાચરણ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ પ્રણામ તીર્થગમન વગેરે છે. (૨) યુક્તિવ્યપાશ્રય–યુક્તિપૂર્વક ખોરાક, દવા વગેરેના સેવનને યુક્તિવ્યપાશ્રય કહે છે. અને (૩) હાનિકારક કાર્યો તેમ જ વિચારોમાંથી મનને રોકવાના કાર્યને સત્ત્તાજય ઔષધ કહે છે.