________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૬૭ ઉલ્લાપો સંભળાય છે. જેમ શુક્લપક્ષમાં ચંદ્ર જ્યોત્સાથી જગતમાં પ્રસિદ્ધિ પામે છે તેમ માતા-પિતાના વિશુદ્ધકુળમાં જન્મેલી જ્યોત્ના જેવી રતિસુંદરીથી નિષ્કલંક ચંદ્રરાજા ચંદ્રની જેમ પ્રસિદ્ધિ પામ્યો. (૪૮)
કોઈક દિવસે કુરુદેશના મહેન્દ્રસિંહ રાજાનો દૂત ચંદ્રરાજાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારા સ્વામીએ મારી મારફત આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે કે અમારા અને તમારા પૂર્વ પુરુષોનો સામાન્યજનમાં અસાધારણ એવો દૃઢ સ્નેહરાગ હતો. જેવી રીતે પોતાના વાંસના અગ્રભાગમાં રહેલો, દુર્વાતથી પણ હણાયેલો ધ્વજ પૂર્વના વાંસની સાથેના સંબંધને છોડતો નથી, તેવી રીતે તે જ સુકુળમાં (વંશમાં) ઉત્પન્ન થયેલા પુત્રો જાણવા કે જેઓ સંકટમાં પણ પૂર્વના સંબંધોનો ત્યાગ કરતા નથી. સાગર અને ચંદ્ર, મેઘ અને મયૂર, સૂર્ય અને કમળ દૂર પણ રહેલા હોવા છતાં સંબંધને તોડતા નથી. આડી અવળી વાત કરવાથી શું? અગણ્ય સૌજન્યને વહન કરતા એવા મને તારે સર્વથા સર્વ પ્રયોજન કહેવું. અને બીજું રતિસુંદરી પ્રિયાદેવી જે નવોઢા સંભળાય છે તે અમને અતિથિ રૂપે મોકલી આપવી જેથી અમે તેનું સન્માન કરીએ. જે પોતાના સ્વજન તરીકે સ્વીકારાય છે તેને પત્ની પણ અર્પણ કરવી ગૌરવનું સ્થાન ગણાય છે. કેમકે જો પુત્ર પ્રિય હોય તો પુત્રને પહેરવાના વસ્ત્રો પણ પ્રિય બને છે.
દૂતના વચનો સાંભળીને, કંઈક હસીને ચંદ્રરાજાએ કહ્યું: તું કહે, આનંદ આપનારા સ્વજનો કોને વ્હાલા ન થાય? ભક્તિ, પરોપકાર, સુશીલતા, આર્જવ, પ્રિયાલાપન, દાક્ષિણ્ય અને વિનયપૂર્વકની વાણી આ સજ્જનોના સ્વાભાવિક ગુણો છે. તેથી તે દૂત! તારા સ્વામીએ અમને સારો ઉપદેશ આપ્યો કે ઉત્તમ આશયવાળા સુજનો પોતાના કૂળની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. અમારું જે સર્વ ઉચિત પ્રયોજન હોય તે તારે સ્વામીને કહેવું, પરંતુ તે દેવીને મોકલાવવાનો આજે પણ કોઈ અવસર આવ્યો નથી. વાણીના વ્યાપારથી મહેન્દ્રસિંહનો સ્નેહ અમારા ઉપર કેવો છે તે અમે જાણ્યું, તો પછી બાહ્ય ઠાઠથી શું? ખરેખર પંડિતો કહે છે કે સ્નેહ વગરના બાહ્ય દાનથી મૂર્ખ પક્ષીઓ બંધાય છે જ્યારે ઉત્તમ પુરુષોનું બંધન સત્ય વચનથી થાય છે, બીજી રીતે નહીં. અર્થાત્ શિકારી વગેરે અન્નના દાણાનું પ્રલોભન આપીને મૂર્ખ પક્ષીઓને જાળમાં ફસાવે છે, જ્યારે ઉત્તમપુરુષો પ્રલોભનમાં ફસાતા નથી પણ સદ્ભાવપૂર્વકના વચનથી બંધાય છે. એટલે પોતે આપેલા વચનને વફાદાર રહે છે, ફોક કરતા નથી. તથા સજજન મનુષ્યની વાણી હજાર મૂલ્યવાળી હોય છે અને સ્નેહપૂર્વકની દૃષ્ટિ લાખ મૂલ્યવાળી હોય છે તથા સજ્જન મનુષ્યનો સદ્ભાવ ક્રોડથી અધિક મૂલ્યવાળો હોય છે. (૬૨)