________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૮૪
પણ પોતાનું શિયળ ન ભાંગવું. આમ કરવાથી પ્રવત્તિનીનો આદેશ પાલન કરાયેલો થશે. નિશ્ચયથી આવા કાર્યમાં માયા પણ કરવી જોઇએ. કેમકે નીતિશાસ્ત્રોમાં પાપીજનોની આગળ શઠતા કરવાનો ઉપદેશ આપ્યો છે. (૩૭)
આ પ્રમાણે વિચારીને ગુણસુંદરીએ બટુકને કહ્યું: જો એ પ્રમાણે તું ઉત્સુક છે તો તો પછી તેં મને ત્યારે જ કેમ ન જણાવ્યું? ત્યારે તું સુભગ નજીકમાં હતો તો મારે આટલું દૂર જવાની શી જરૂર હતી? ફલિત આંબાના વૃક્ષને મેળવીને કોણ દૂર રહેલી આંબલીની ઇચ્છા કરે? કુમાર અને કુમારીના યોગમાં બંને નિર્મળ કુળને લાંછન ન લાગત અને લોકવિરુદ્ધ કાર્યપણ ન થાત અને સર્વ જ સુંદર થાત. પરંતુ હમણાં આપણા સંયોગથી આ લોકમાં નિંદા, કુળનું માલિન્ય થાય, દુર્ગતિની પ્રાપ્તિ અને પરલોકમાં ઘણીવાર દારુણ દુઃખોની પ્રાપ્તિ થાય. તેથી હે મહાસત્ત્વ! હમણાં કાલોચિત કાર્યની સમ્યક્ વિચારણા કર. કેમકે વિચારણાનું ફળ(સાર) પરિણામે સુંદર હોય છે. કારણ કે ખરેખર વિદ્વાનવડે નીતિથી જે કાર્ય સિદ્ધ કરી શકાયું નથી તે કાર્યમાં અન્યરીતથી (અનીતિથી) કોણ સફળ થાય? અફડાવાયેલ ગોળો ઉછળતો અધિકતર ઉછાળા (પછડાટ)ને પામે છે એટલે કે વિષયોમાં અફડાવાતો જીવ અધિકતર દુઃખોને પામે છે. આ પ્રકારના વચન રૂપી રત્નોથી રંજિત થયું છે ચિત્ત જેનું એવા બટુકે વિચાર્યું કે ખરેખર આ ગુણસુંદરી વિજ્ઞાન અને વિબુદ્ધિમાં નિપુણ છે. અને અતિવાત્સલ્યથી મને સર્વ સ્નેહના સારનો ઉપદેશ આપે છે અને કાર્યનો યથાર્થ ઉપાય મારા વડે ન જણાયો પરંતુ આના નિમિત્તે મેં આટલો પરિશ્રમ કર્યો તેથી ભુખ્યાને પ્રાપ્ત થયેલા ભોજનની જેમ હાથમાં આવેલી આને કેવી રીતે છોડું?
આ પ્રમાણે વિચારીને તેણે તેને કહ્યુંઃ હે સુંદરી! તું સર્વ પણ યથાર્થ કહે છે પરંતુ તારા વિયોગમાં એક ક્ષણ પણ હું પ્રાણ ધારી શકતો નથી. અને હે સુંદરી! ખરેખર આટલો કાળ પણ હું તારા વિયોગમાં જીવ્યો છું તેનું કારણ સંગમની આશા રૂપી દિવ્ય ઔષધીનો પ્રયોગ છે. આ લોકમાં ભલે કુળો મિલન થાય, પરલોકમાં ભલે દુરંત દુઃખોની પ્રાપ્તિ થાય. પરંતુ હે સુંદરી! તારા વિરહરૂપી અગ્નિથી તપેલ શરીરને બુઝાવ. તેના નિશ્ચયને જાણીને ગુણસુંદરીએ કહ્યું: જો એમ છે તો હે સુંદર! મારાવડે પણ તારુ હિત જ કરાવું જોઇએ. જો મારા સંયોગથી હે સુભગ! તને ઉત્તમસુખની પ્રાપ્તિ થતી હોય તો આ પલ્લિ પણ મને સ્પષ્ટ સ્વર્ગ જેવી લાગે છે. પરંતુ મારાવડે દુર્લભ મહામંત્ર સિદ્ધ કરવા અનુષ્ઠાન પ્રારંભાયું છે અને તેની સિદ્ધિ માટે મેં ચારમાસ માટે બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે અને તેનો અર્ધોભાગ એટલે બે માસ પૂર્ણ થાય છે અને બે માસ બાકી છે તમે ઘણું સહન કર્યું છે તેથી હવે થોડું વધારે પણ સહન કરો. તેનો વિધિ આ પ્રમાણે છે કે સર્વ પણ પુરુષને નિશ્ચયથી ભાઇ અને પિતા સમાન જાણવા. વળી કોઇપણ જાતના ભોગાંશનો વિચાર ન કરવો. તેણે કહ્યું: હે સુંદરી! તે મંત્રથી શું સિદ્ધ થાય છે?