________________
ર૧૨
ઉપદેશપદ : ભાગ-૨
કાળે કરી ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાંચાલદેશમાં ઉત્તમ કાંપીલ્યપુરમાં દ્રુપદ રાજાની ચલણી નામની દેવીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. જે ધૃષ્ટદ્યુમ્ન યુવરાજની સોદરા નાની બહેન થઈ. દ્રુપદ રાજાની આ પુત્રી છે તેથી પ્રશસ્ત સમયે તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. તે શુક્લપક્ષમાં ચંદ્રની કળાની જેમ પ્રતિક્ષણ વૃદ્ધિ પામતી અનન્યતુલ્ય તારુણ્યને પામી. તેને જોઇને પિતા વિચારે છે કે રૂપ અને યૌવનના રૂપથી સુરવધૂના રૂપની સમાન પુરવાર કરે તેવી કોઈ બીજી સ્ત્રી અહીં નથી. તેથી આનો ઉચિત સ્વયંવર કરવામાં આવે તો સુખી થાય. પછી પોતાના ખોળામાં બેસાડીને તે દ્રૌપદીને કહે છે–હે વત્સ! સ્વયંવર વિધિથી તને જે વર ગમે તેને વર. (૧૭૨)
પછી દ્વારિકા નગરીના કૃષ્ણ મહારાજાને નિમંત્રણ માટે પોતાના પરિજનથી યુક્ત દૂતને પ્રથમ મોકલે છે અને દૂત ઉચિત સમયે તેના (કૃષ્ણના) સમુદ્રવિજય વગેરે દશ દશાર્યો, મુશલપાણિ વગેરે પાંચ મહાવીરો, ઉગ્રસેન વગેરે સોળહજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વગેરે સાડા આઇક્રોડ કુમારો. સર્વત્ર અનિવારિત ગતિવાળા શાંબ વગેરે સાઈઠહજાર કુમારો, વીરસેન વગેરે એકવીશ હજાર વીરો તથા મહસેન વગેરે છપ્પનહજાર બળવાન કુમારો અને બીજા તલવાર-ઇશ્વર-માંડલિક વગેરે અનેકગણા લોકોની પાસે જઈને અંજલિ જોડીને પ્રણામ કરીને આ પ્રમાણે કહે છે કે, કાંપીલ્યપુરના દ્રુપદરાજાની દ્રૌપદી નામની પુત્રીનો સ્વયંવર તેના પિતા વડે રચાયો છે તો તેની પ્રાર્થના છે કે વિલંબ વિના કાપીલ્યપુર નગરની બહારના દેશમાં પોતપોતાની સમૃદ્ધિ સાથે પરિવાર સહિત પધારો. આ પ્રમાણે હસ્તિનાપુરના પાંડુ રાજાને પુત્રો સહિત નિમંત્રણ આપવા બીજા દુઇજ્જત દૂતને મોકલ્યો. અને અંગદેશની ચંપાના કર્ણરાજાની પાસે ત્રીજો દૂત મોકલ્યો. ચોથો દૂત શૌક્તિમતી નગરીના શિશુપાલ રાજાને અને તેના પાંચશો સગાભાઈઓની પાસે મોકલ્યો. હસ્તિશીર્ષ નગરમાં દમદંત રાજાની પાસે પાંચમા દૂતને મોકલ્યો. મથુરા નગરીમાં ધર રાજાની પાસે છઠ્ઠો દૂત મોકલ્યો. રાજગૃહના સહદેવ રાજાની પાસે સાતમો દૂત મોકલ્યો. કૌડિન્યપુરમાં ભેષક રાજાની પાસે આઠમો દૂત મોકલ્યો. નવમો દૂત વિરાટ દેશમાં સોભાઈઓવાળા કીટક રાજાની પાસે મોકલ્યો. બાકીના નગરોમાં રહેલા રાજાઓની પાસે દશમો દૂત મોકલ્યો. તેના ગૌરવપૂર્વકના નિમંત્રણથી તેઓ મનની ઝડપે વિશાળ ગંગાતીર ઉપર કાંપીત્યપુરમાં આવ્યા અને પ્રલોભિત સમુદ્રના મોજાં સમાન સત્ત્વશીલ એવા સર્વ રાજાઓએ દ્રુપદરાજાએ બતાવેલ નિવાસસ્થાનોમાં કરાયેલી છાવણીમાં આવાસ કર્યો. રાજાએ સેંકડો ઉત્તમ ધ્વજાઓથી સહિત ઊંચા સ્તંભ સમૂહથી શોભતો, ઘણા રત્નમય તોરણોથી ભૂષિત, ઉન્મત્ત હાથીઓના હાથીદાંતોમાંથી બનાવેલી રમ્ય પુતળીઓથી યુક્ત એવો સ્વયંવર મંડપ કરાવ્યો. (૧૮૯)