________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૨૦
ક્યાંકથી સાંભળવા મળ્યું કે આજ રાત્રે ઉજ્જ્વતગિરિ ઉપર નેમનાથ ભગવાન નિર્વાણ પામ્યા છે. તત્ક્ષણ જ પાછા ફરીને જ્યાં યુધિષ્ઠિર મુનિ છે ત્યાં આવ્યા. યથાહકીકત જણાવે છે, ભક્તપાનનો ત્યાગ કરે છે અને ભાવના ભાવે છે કે અહો! કર્મવડે કરાયેલી ચેષ્ટાઓ કેવી વિષમ છે! ઘણું પરાક્રમ આદરવા છતાં વાંછિત અર્થ સિદ્ધ ન થયો. હવે જિનેશ્વરના વિરહરૂપ દાવાનળથી સળગેલા જીવિતથી શું ? આથી શત્રુંજય જઇને અનશન કરીએ. ત્યાં જઇને બે મહિનાની સંલેખના કરી. કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું અને નિર્વાણ પામ્યા. આર્યા દ્રૌપદી પણ સામાયિક વગેરે અગીયાર અંગો ભણીને અંતે માસખમણથી અનશન કરી કાળધર્મ પામી. અને પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થઇ. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. નાગશ્રીનું જન્માંતરનું ચરિત્ર કહ્યું છે તે અહીં પ્રસંગથી આવેલું છે. અહીં ધર્મરુચિ અણગાર પ્રસ્તુત (વિષય) છે.
શ્રી ધર્મરુચિ કથાનક સપ્રસંગ સમાપ્ત થયું.
હવે મનોગુપ્તિના ઉદાહરણને કહે છે–
મનોગુપ્તિના ઉદાહરણમાં કોઇક સાધુ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં લીન થયેલા હતા અને ક્યારેક ઇંદ્રે તેની પ્રશંસા કરી અને તેની શ્રદ્ધા નહીં કરતો એક દેવ આવ્યો. ત્યાં આવ્યા પછી તે દેવે તે સાધુને કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા જોયા અને તેણે તેના કરુણામય માતા-પિતાનું રૂપ વિકુર્યું. દુઃખી માતા-પિતાવડે કાઉસ્સગ્ગમાં રહેલો પુત્ર સાધુ અનેક પ્રકારે બોલાવાયો અને જણાવાયો કે અમે તારા વિના જીવી શકીયે તેમ નથી માટે વચન બોલવા માત્રથી પણ અમને આશ્વાસન આપ.
જ્યારે કાઉસ્સગ્ગમાં રહેલા સાધુ કંઇપણ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે તેની પત્નીનું રૂપ વિષુવ્યું. તે પત્નીનું રૂપ કેવું છે? સમસ્ત શૃંગારથી પરિપૂર્ણ, શરીરે સંપૂર્ણ આભૂષણ પહેરેલી, પરપુરુષમાં આસક્ત થયેલી, ફરીથી પણ તે સાધુની અતિશય અભિલાષા કરતી, અત્યંત ઉતાવળથી મીઠું બોલતી. પોતાની સ્ત્રી વિકુર્થીને બતાવી તો પણ તેનું મન મનોગુપ્તિમાંથી જરાપણ ચલિત ન થયું. ત્યારે દેવે પોતાનું રૂપ બતાવ્યું અને મુનિને વંદના કરી તથા સ્તવના કરી. જેમકે—તમારો જન્મ સફળ છે. તમે ગુણોથી જગપ્રસિદ્ધ છો, તમે સમ્યગ્ આચારવાન છો, તમારા મનનો નિગ્રહ અત્યંત દૃઢ છે. તમારા સિવાય બીજો કોણ આ લોક અને પરલોકમાં નિસ્પૃહ હોય? અને પછી સાધુલોકમાં પ્રશંસા થઇ. જેમકેઆ મહાત્માના ચિત્તનો ભેદ ન થયો. (૬૫૨)
હવે વચન ગુપ્તિના ઉદાહરણને કહે છે. જેમકે–