________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૫૯
સ્થાવર અને સંપદાની કથા તે જ નગરમાં સકલ વણિક લોકને બહુમત, ઘણાં વૈભવનું ભાજન, એવો સાગરદત્ત નામનો શ્રેષ્ઠી સર્વત્ર સુપ્રસિદ્ધ હતો. તેને સંપદા નામે પત્ની અને મુનિચંદ્ર નામે પુત્ર હતો. તેઓને બંધુમતી નામની પુત્રી હતી. સ્થાવર નામનો દાસનો પુત્ર હતો. તે નગરની નજીકમાં પોતાના વટપદ્ર નામના ગોકુળમાં જઈને શ્રેષ્ઠી પોતાના ગાયના સમૂહની ચિંતા (સંભાળ) કરે છે અને દર મહિને ઘી-દૂધથી ભરેલા ગાડાઓ લાવે છે અને ભાઈ-મિત્રોને તથા દીનદુઃખીઓને આપે છે. બંધુમતી પણ જિનેશ્વરોના ધર્મને સાંભળીને શ્રાવિકા થઈ, પ્રાણિવધ વગેરે પાપસ્થાનોથી વિરત અને ઉપશાંત થઈ.
હવે જીવનું જીવન ઇંદ્રધનુષ જેવું ચંચળ હોવાથી કોઈક વખત કયારેક ક્રમથી સાગરદત્ત શ્રેષ્ઠી મરણ પામ્યો. નગરના સ્વજનલોકોએ તેના સ્થાને મુનિચંદ્રની નિમણુંક કરી, સર્વ પણ સ્વ-પર કાર્યોમાં પૂર્વની સ્થિતિની જેમ વર્તે છે. પૂર્વની પરંપરાથી સ્થાવર પણ તેનું બહુમાન કરે છે અને મિત્રની જેમ, પુત્રની જેમ અને ભાઈની જેમ તેના ઘરકાર્યોની સંભાળ કરે છે. પરંતુ સ્ત્રીસ્વભાવથી, વિવેકની વિકલતાથી, કામબાણથી પીડાયેલી, ખરાબ શીલવાળી સંપદા તેને જોઈને વિચારે છે કે ક્યા ઉપાયથી આની (સ્થાવરની) સાથે રોકટોક વગર, વિધ્વરહિત વિષયસુખને એકાંત ઓતપ્રોત થઈ ભોગવું? અથવા કેવી રીતે આ મુનિચંદ્રને મારીને ધનકણથી સમૃદ્ધ પોતાના ભવનને આના વિના સંભાળીશ? આ પ્રમાણે વિચારતી સ્નાન-ભોજનાદિથી સવિશેષ સ્થાવરની સેવા કરે છે. અહોહો! પાપી સ્ત્રીઓની દુષ્ટતા કેવી છે! તેના અભિપ્રાયને નહીં જાણીને તેવું વર્તન કરતી સંપદાને જોઈને સ્થાવર વિચારે છે કે આ મારા વિષે માતાપણાનો વ્યવહાર કરે છે. (૧૪૦)
હવે લજ્જાને અત્યંત છોડીને અને પોતાના કુળની મર્યાદાને છોડીને તેણીએ તેને એકાંતમાં સર્વાદરથી પોતાના આત્માને અર્પણ કર્યો, અર્થાત્ તેની સાથે નિતાંત ભોગો ભોગવવા લાગી અને કહ્યું: હે ભદ્ર ! મુનિચંદ્રને મારીને સ્વામીની જેમ વિશ્વસ્થ થઈ મારી સાથે આ ઘરમાં ભોગો ભોગવ. તેણે પૂછ્યું: આ મુનિચંદ્રને કેવી રીતે મારવો? તેણે કહ્યું. ગોકુળની સંભાળને માટે તને અને તેને હું સાથે મોકલીશ. પછી તારે તલવારથી માર્ગમાં તેનો વધ કરવો. તેણે આવું કરવું સ્વીકાર્યું “લજ્જાહીનને અકાર્ય શું છે?” બંધુમતીએ આ વાત સાંભળી અને સુસ્નેહથી તત્ક્ષણ જ ઘરે આવેલા ભાઈને કહી. બહેનને મૌન રાખી મુનિચંદ્ર ઘરમાં પ્રવેશ્યો. માતા પણ કપટથી અત્યંત રોવા લાગી. તેણે પૂછ્યું: હે માતા તું કેમ રડે છે ? તેણીએ કહ્યું: હે વત્સ! પોતાના કાર્યો સીદાતા જોઈને હું રડું છું. તારા પિતા જ્યારે જીવતા હતા ત્યારે ખરેખર મહિનાના અંતે ગોકુળમાં જઈને ઘી-દૂધ લાવી આપતા હતા. પણ હમણાં હે પુત્ર ! તું અત્યંત પ્રમાદી