________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૦૭ ગુરુએ પણ લાંબા સમયથી ધર્મરુચિ મુનિ પાછા ન આવ્યા ત્યારે સાધુઓને કહ્યું: ચારે તરફ ધર્મચિ સાધુની તપાસ કરો. તપાસ કરતા ચંડિલ ભૂમિ ઉપર તેનું મૃત કલેવર મળ્યું. આવીને સૂરિની પાસે નિવેદન કર્યું કે તે કાળધર્મ પામ્યો છે. તત્ક્ષણ આચાર્ય પૂર્વમાં ઉપયોગ મૂકે છે અને નાગશ્રીનો કડવી તુંબડી વહોરાવવાનો વૃત્તાંત જાણ્યો. પ્રતિકાર કરવામાં સમર્થ આત્માઓએ આવા પ્રકારના ચૈત્ય અને યતિના વિનાશની ઉપેક્ષા કરવી ઉચિત નથી, કેમકે આવા પ્રકારના દોષોની પરંપરા ચાલે. આ પ્રમાણે મનમાં વિચારીને સર્વ શ્રમણ સંઘને બોલાવ્યો અને જણાવ્યું કે આ ધર્મચિ સાધુ આજે કાળધર્મ પામ્યો છે. આવા પ્રકારના (કડવી તુંબડીનું શાક વહોરાવવાના) કાર્યથી નાગશ્રીએ સારું ન કર્યું. કારણ કે એણે ભાવસાધુનો વિનાશ કર્યો છે. નાગશ્રી નિર્ભાગ્ય, દુર્ભાગ્ય લોકના શિરોમણિપણાને પામી અને નરકાદિ દુઃખોની ખાણભાવને પામી. તેથી અહીં નાગશ્રીના આ અપરાધને ગુપ્ત ન રાખવો જોઇએ એમ કહીને મુનિઓને કહ્યું કે નગરીની અંદર ત્રણ-ચાર રસ્તે ઘણાં લોકોની સમક્ષ ઉદ્ઘોષણા કરો કે નાગશ્રીએ આવું કૃત્ય કર્યું છે. અરે! અરે! કોઈએ પણ આને જોવી કે આની સાથે વાત કરવી ઉચિત નથી. તેને જોનારો પણ તેની સમાન જ જાણવો. પછી તે મુનિઓ ગુરુના વચનને આ પ્રમાણે જાણીને નગરમાં સ્થાને-સ્થાને ઉદ્ઘોષણા કરીને પ્રકટ કરે છે. પછી નિંદાતી, તિરસ્કાર કરાતી, હિલના પામતી કોઇપણ સ્થાને કોળિયાને નહીં મેળવતી કાળને પસાર કરે છે. જીવતા સોળપ્રકારના વ્યાધિના દુઃખો ભોગવ્યા અને મરીને છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થઈ. ત્યાંથી ઉદ્વર્તન પામીને માછલો થઈ. બળતા અગ્નિથી તથા તીક્ષ્ણ શસ્ત્રથી સર્વાંગમાં પીડા ભોગવીને સર્વ જન્મોમાં ભમે છે. સર્વ પણ નરક પૃથ્વીઓમાં અનેકવાર જન્મ મેળવીને તથા અન્ય પણ અતિનિંદનીય સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. વધારે શું કહેવું? જેવી રીતે ભગવતી સૂત્રમાં ગોશાળાના બધા સંસારના દુઃખોનું વર્ણન કર્યું છે તેવી રીતે આ પણ સંસારના બધા દુઃખોનું ભાજન થશે એમ કહેવું (જાણવું). (૮૨).
અનંતકાળ પછી આ જંબૂદ્વીપમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહને ઘરે ભદ્રાભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. નવમાસને અંતે તેનો જન્મ થયો. તેના હાથ, પગ માખણ જેવા સુકમાળ હોવાથી તેનું નામ સુકુમાલિકા પાળવામાં આવ્યું. ક્રમે કરી કામદેવના મોટા ભાલાનું એકમાત્ર ભવન એવા અતિ લાવણ્યમય યૌવનને પામી.
૧. ખાણભાવ – ખાણમાંથી જેમ ધાતુઓને કાઢવામાં આવે તો પણ અંત નથી આવતો તેમ દુઃખરૂપી
ખાણમાંથી દુઃખો ભોગવવામાં આવે તો પણ દુઃખનો અંત ન આવે એવા ભાવને પામી.