________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૫૮
સહાય કરવી તેને અનુકંપા દાન કહ્યું છે. પાંચેય ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ કરવો, કષાયનો જય કરવો અને મનની સમાધિ થવી તેને શીલધર્મ કહે છે. જીવિત-ધન-યૌવન વગેરેનું ક્ષણભંગુરપણું હૃદયમાં ભાવવું તેને ભાવધર્મ કહેલો છે. આ ચાર પ્રકારનો ધર્મ સર્વસુખોની ખાણ સમાન છે. આ ધર્મ અપાર સંસારરૂપી ખારા સમુદ્રને તરવા માટે ઉત્તમ નૌકા સમાન છે. આ ધર્મ વિકટ દુઃખરૂપી અટવીને બાળવા માટે પ્રચંડ દાવાનળ સમાન છે. આ ધર્મ સમસ્ત ત્રણ ભુવનના લોકની લક્ષ્મી રૂપી વેલડી માટે મંડપ સમાન છે. સકલ ઇચ્છિત ફળોને મેળવી આપતો હોવાથી નિશ્ચયથી (પરમાર્થથી) કલ્પતરુ છે. વધારે શું કહેવું? જગતમાં આનાથી વિશેષ કોઇ સુંદરત વસ્તુ નથી.
વસ્ત્રોમાં જેમ રંગનો સંસ્કાર થાય તેમ ધર્મ સાંભળ્યા પછી તત્ક્ષણ સોમાના સર્વાંગમાં ધર્મ પરિણત થયો. સોમાએ ત્રણ ભુવનના આભૂષણ ભક્તિપૂર્ણ સર્વ ઇન્દ્રો જેના ચરણમાં નમેલા છે એવા અરિહંત ભગવંતને દેવબુદ્ધિથી સ્વીકાર્યા. સમતૃણ-મણિ, સર્વ સુગુણોથી જિતાયા છે જગતના મહાપુરુષો જેઓ વડે એવા જે મુનિઓ છે તે મારા ગુરુઓ છે. સંપૂર્ણ કર્મરૂપી પર્વતને ભેદવા માટે વજ્રસમાન જિનેશ્વરોનો ધર્મ છે તે મારો ધર્મ છે. આ પ્રમાણે સોમાએ સમ્યક્ત્વ તત્ત્વનો સ્વીકાર કર્યો અને પછી કર્મમળ વધારે નષ્ટ થયે છતે ખુશ થયેલી પાંચ અણુવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રતનો સ્વીકાર કર્યો. જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ તે જલદીથી પરમ આનંદને પામી. ઘરે આવીને માતા-પિતાને વૃત્તાંત કહ્યો. પોતાના વંશમાં ક્યારેય પણ કોઇએ પણ જે ધર્મનું આચરણ નથી કર્યું તેવા ધર્મનો અમારી પુત્રીએ સ્વીકાર કર્યો છે એમ સાંભળવા માત્રથી અનન્ય સમાન ક્રોધનો વેગ ઉત્પન્ન થયો. પછી માતા-પિતા વર્ગ કહે છે કે હે પુત્રી ! તેં જે ધર્મનું અનુષ્ઠાન સ્વીકાર્યું છે તે ધર્મ દુષ્ટ છે, જે આપણા વંશના વશથી ત્યાગ કરાયો છે. આપણા વંશમાં થયેલા સર્વેએ વંશ પરંપરાથી આવેલ ધર્મનું આરાધન કર્યું છે. આ ધર્મને આરાધનારાઓએ તને બાલિશપણામાં નાખી છે. જેથી હે પુત્રી! તું આ ધર્મને છોડ અને પોતાના વંશમાં આવેલા ધર્મનું સેવન કર. પૂર્વપુરુષોનું ઉલ્લંઘન કરવું સારું નથી કારણ કે તે અમંગલોનું મૂળ છે. દેવ સમાન માતા-પિતાને મારે કેવો પ્રત્યુત્તર આપવો ? જેથી માતા-પિતાને સંતોષ થાય તેવો કોઈ ઉપાય કરવો જોઇએ. (૧૨૫)
આ પ્રમાણે વિચારતી તેણે કહ્યું કે મેં આ ધર્મ ગણિની પાસે સ્વીકાર્યો છે તેથી
તેની પાસે જ મારે ત્યાગ કરવો જોઇએ. પછી ગણિનીની પાસે માતા-પિતાને એવી રીતે લઇ ગઇ કે જેથી કોઇપણ રીતે ઉપશાંત થાય. આ પ્રમાણે વિચારીને તે જેટલામાં માતાપિતાને પ્રવર્તિની પાસે લઇ જાય છે તેટલામાં રાજમાર્ગ ઉપર ઘોર મારિ પ્રગટ થયેલી જોઇ. તે મારિ જે રીતે ઉત્પન્ન થઇ તેને હું કંઇક ટૂંકાણથી કહીશ.