________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૭૪
વારમાં પણ છૂટો પાડવાથી જે કંબલરત્ન તૈયાર થશે તે અલ્પમૂલ્યવાળી થશે. પૂર્વે જેવો લાભ થવાનો હતો તેવો નહીં થાય. તથા આ પશુથી જેવો લાભ થવો જોઇતો હતો તેવો નહીં થાય તેમ તું પણ સ્વીકારેલા ધર્મને લોકહાંસીથી ત્યાગ કરે તો આવો લાભ થાય એમ શ્રીમતીએ સોમાને કહ્યું. (૫૫૮)
હવે આ હકીકતને પ્રસ્તુતમાં ઘટાવતા કહે છે. ઝુંટણ સમાન શુદ્ધ ધર્મ છે. આ ધર્મની અંદર પોતાની બુદ્ધિથી ઝુંટણના ઉદાહરણની જેમ ઘટાવવું. કેવી રીતે? શુભ આશય પૂર્વકનો ધર્મ શુભફળ આપે છે, અશુભ આશયપૂર્વકનો ધર્મ અશુભ ફળ આપે છે અને આદિશબ્દથી ધર્મની દુર્લભતા અને સુલભતા બતાવે છે. દુષ્ટ આશયપૂર્વકનો ધર્મ ભવાંતરમાં દુર્લભ છે, શુભ આશયપૂર્વકનો ધર્મ ભવાંતરમાં સુલભ છે. કેમકે આશય એ અનુબંધ છે. કહેવાનો ભાવ એ છે કે–
જેવા પ્રકારે ધનપુત્ર ગરીબ હતો તેમ આ સંસારી જીવ ગુણોથી દરિદ્ર છે. અને જેવી રીતે ધનપુત્ર પત્નીના વચનથી ઝુંટણ લેવા જવા ઉત્સાહિત થયો અને શ્વસુરકુળ ગયો. અને ત્યાં તેણે ઝુંટણને મેળવ્યું. આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમથી કોઈક જીવ શ્વસુરકુળ સમાન ગુરુકુળ અને ઝુંટણ સમાન ધર્મને મેળવવા જાય છે. અને તે ધર્મને મેળવે પણ છે. જેમ ધનપુત્ર તે પ્રમાણે શિક્ષા અપાયો હોવા છતાં મંદભાગ્યથી લોકના ઉપહાસના ભયથી વચ્ચે જ પોતાના શરીરથી ઝુંટણને ઉતારીને ઉદ્યાનમાં છોડી દીધો. જેમ ધનપુત્ર તેવા પ્રકારના લોકના ભાવને નહીં જાણવાથી ઉત્પન્ન થયેલ ભયથી અધૂરા કાર્યનો ત્યાગ કરે છે તેમ આ સંસારીજીવ પણ દીર્ઘ સંસારી હોવાથી મેળવેલા પણ ધર્મનો અધવચ્ચે ત્યાગ કરે છે. તથા ઝુંટણના ત્યાગથી ઘણો દુ:ખી થયો તેમ આ સંસારીજીવ પણ ધર્મના ત્યાગથી ઘણો દુ:ખી થાય છે. જેમ ધનપુત્રને બીજો ઝુંટણ શ્વસુરકુળમાંથી મેળવવો દુર્લભ થયો તેમ સંસારીજીવને ત્યાગ કરાયેલ ધર્મ ફરી મેળવવો દુર્લભ છે. અને આથી જ લોકોપહાસના ભયથી વચ્ચે જ પોતાના શરીરથી દૂર કરીને છોડી દીધું તે સર્વ અહીં ઘટાવવું. (૫૫૯)
આ પ્રમાણે ઉપનય સહિત ઝુંટણનું દૃષ્ટાંત કહીને પ્રસ્તુતની ઘટના કરે છે. ઝુંટણવણિક સમાન પુરુષોને ધર્મ ન આપવો. શા માટે ન આપવો? તે કહે છે, ધર્મને ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલા લોકોના હિત માટે તેઓને ધર્મ ન આપવો. તેનું દૃષ્ટાંત કહે છે. જેમ ગાઢ માંદગી આદિમાં પ્રબળ જ્વર આદિ રોગોથી પીડાયેલા જીવોને ઘીગોળથી મિશ્રિત દાળ, ભાતાદિ આહાર વધારે નુકસાન કરે છે તેમ મોહરૂપી જ્વરવાળા જીવોને ધર્મરૂપી ઉત્તમ આહાર વધારે નુકશાન કરે છે. (૫૬૦)