________________
ઉપદેશપદ : ભાગ-૨
૭૫
- અહીં અભિપ્રાય આ છે–જેવી રીતે દેવભવની પ્રાપ્તિને યોગ્ય પુણ્યનું ઉપાર્જન કરનાર મનુષ્યથી નારકપણે ઉત્પન્ન થયેલો જીવ સર્વથા અન્ય જ છે, તેવી રીતે તે મનુષ્યના મૃત્યુ પછી દેવપણે ઉત્પન્ન થયેલો જીવ અને તે મનુષ્ય સર્વથા અન્ય જ છે. કારણ કે નિરન્વય ઉત્પત્તિ બંને સ્થળે સમાન છે. આ ઘટતું નથી. કેમકે એમ સર્વથા ભિન્ન માનવામાં અકૃતાગમ અને કૃતનાશ એ બે દોષોનો પ્રસંગ આવે છે.
(તે આ પ્રમાણે–વસ્તુને એકાંતે અનિત્ય માનનારના મતે પ્રથમક્ષણે વિદ્યમાન એવી ઘટ બનાવવા લાયક માટી બીજી જ ક્ષણે સર્વથા નાશ પામે છે. માટી નાશ પામવાથી સ્થાશ-કોશકુશૂલ વગેરે આકારો બની શકે નહિ. માટીમાંથી તૈયાર થયેલા સ્થાશ-કોશ-કુશૂલ વગેરે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તો એ ક્યાંથી આવ્યા ? કર્યા વિના જ ટપકી પડ્યા એમ જ માનવું પડે ને ? મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કરનાર જીવ મરીને દેવગતિમાં ગયો. પુણ્યોપાર્જન કરનાર જીવ અને દેવ એ બંને સર્વથા ભિન્ન છે. દેવ બનેલા જીવે પુણ્યોપાર્જન કર્યું નથી. આથી તેને પુણ્યોપાર્જન કર્યા વિના જ દેવભવની પ્રાપ્તિ થઈ. આમ અકૃતાગમ ( ન કરેલાનું આવવું) દોષ થાય છે.
વસ્તુને પ્રતિક્ષણ વિનાશશીલ માનનાર એકાંત અનિત્યવાદમાં પ્રથમક્ષણે વિદ્યમાન ઘટ બીજી ક્ષણે નાશ પામે છે. એટલે કુંભારે કરેલા ઘડાનો નાશ થાય છે. આમ કૃતનો (કરેલાનો) નાશ કૃતનાશ દોષ આવે છે.
એવી જ રીતે કોઈ મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કરીને દેવપણે ઉત્પન્ન થાય ત્યારે પુણ્યોપાર્જન કરનાર અને દેવ બંને ભિન્ન છે. એટલે જેણે મનુષ્યભવમાં પુણ્યોપાર્જન કર્યું તેને કરેલા પુણ્યનું ફળ ન મળવાથી કૃતનાશ દોષ આવે છે.).
આ પ્રમાણે નિત્યવાદ પક્ષમાં જે પિંડ છે તે જ ઘટ છે, જે ઘટ છે તે જ પિંડ છે એ દાંતથી પિંડની અને ઘટની અવસ્થા અને અસદ્ અવસ્થામાં કોઈ ભેદ થતો નથી. કારણ કે પિંડ અને ઘટ એક જ છે.
અનિત્યવાદ પક્ષમાં પણ પુરુષથી દેવ અન્ય છે, અને દેવથી પુરુષ અન્ય છે. તેથી જે રીતે (દેવભવનું પુણ્યોપાર્જન કરનાર) પુરુષની વિદ્યમાનતાના કાળે દેવપણે ઉત્પન્ન થયેલો કોઈ જીવ એકાંતથી જ અન્ય છે. તેમ તે પુરુષના મરણ પછી તુરત ઉત્પન્ન થયેલો પણ અન્ય જ છે. તેથી “પુરુષના સત્ત્વકાલે અને અસત્ત્વકાળે દેવપણે ઉત્પન્ન થયેલો જીવ અવિશિષ્ય(=વિશેષતાથી રહિત) જ છે” એવું જે દૃષ્ટાંત, તે દૃષ્ટાંતથી સત્-અસમાં કોઈ વિશેષ(=ભેદ) નથી. (૪૪૫)
भवहेउ णाणमेयस्स पायसोऽसप्पवित्तिभावेण । तह तदणुबंधओ च्चिय, तत्तेतरणिंदणादीतो ॥४४६॥