________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એવામાં ક્રીડારસના સાગર સમાન અને જગજનના નેત્રોનો અત્યંત આનંદકારી કૌમુદી મહોત્સવ-શરદ પુનમના ચંદ્રનો મહોત્સવ માણિકઠારી આ.સુ. ૧૫ પુનમનો દિવસ આવ્યો. તે સમયે ફરી નગરજનો સાથે તે રાજા પોતાની કમલમાલા મહારાણી અને શુકરાજને લઈને ઉદ્યાનમાં ગયો અને તે જ આંબાના વૃક્ષને જોઈને ખિન્ન ચિત્તથી રાણીને કહેવા લાગ્યો કે "હે દેવી ! જેમ વિષવૃક્ષ સર્વથા દૂરથી જ તજવા યોગ્ય હોય છે, તેમ આપણા આ શુકરાજકુમારને આવું વિષમ દુઃખ આ આમ્રવૃક્ષથી જ ઉત્પન્ન થયું છે, માટે એ પણ દૂરથી જ તજવા યોગ્ય છે.” આટલું બોલીને તે વૃક્ષ છોડીને બીજે સ્થાનકે જવાને તે તત્પર થાય છે, તેટલામાં અકસ્માત તે જ આમ્રવૃક્ષની નીચે અત્યંત પ્રમોદકારક દેવદુંદુભિનો નાદ થવા લાગ્યો. આવો ચમત્કાર જોઈને રાજા પૂછવા લાગ્યો કે - આ દિવ્ય ધ્વનિ કયાંથી ઉત્પન્ન થયો ? ત્યારે કોઈકે આવીને કહ્યું કે - "મહારાજેન્દ્ર! અહીંયાં શ્રીદત્ત નામના મુનિ તપશ્ચર્યા કરતા હતા, તેમને હમણાં જ કેવળકાન થયું છે અને તેથી દેવતાઓ દિવ્ય વાજિંત્રોના નાદથી તેનો મહોત્સવ ઉજવે
છે." એ સાંભળતાં જ રાજા પ્રસન્ન થઈ બોલ્યો "આ મારા પુત્રરત્ન જે મૌન ધારણ કર્યું છે, તેનું રહસ્ય - કેવળી જ કહી શકશે, માટે ત્યાં જવું યોગ્ય છે." એમ વિચારી તે પુત્ર તથા રાણી અને મોટા પરિવાર સાથે
ત્યાં જઈ વંદનાદિક ભક્તિ કરીને કેવળી સન્મુખ આવી બેઠો. ત્યારે કેવળીએ ફલેશનો નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી.
ત્યારબાદ વિનયપૂર્વક રાજા પૂછવા લાગ્યો કે - " હે પ્રભો ! આ શુકરાજકુમારની વાચા શા કારણથી બંધ થઈ ?" ઋષિમુખ્ય કેવળી મહારાજે જવાબ આપ્યો કે "એ બાળક હમણાં જ બોલશે.” તે સાંભળીને પ્રસન્નતાપૂર્વક રાજા બોલવા લાગ્યો કે - "મહારાજ, અમારે એ બાળક બોલે તો પછી શું જોઈએ? અમે એ જ ઈચ્છીએ છીએ." એટલે કેવળી બોલ્યા - "હે શુકરાજ ! આ સર્વના દેખતાં અમને વંદનાદિક કેમ કરતો નથી?" આ સાંભળતાં જ તે શુકારજે ઉઠીને સર્વજન સમક્ષ તે કેળવી ભગવાનને ઈચ્છામિ ખમાસમણો." સૂત્રના ઉચ્ચારપૂર્વક ખમાસમણ દઈ, વિધિપૂર્વક વંદન કર્યું. આ મહા ચમત્કાર દેખીને રાજા વગેરે સર્વ ચકિત થઈ બોલવા લાગ્યા કે - ખરેખર આ મહામુનિનો મોટો મહિમા પ્રગટ જોયો. કારણ કે જેને સેંકડો પુરુષો મંત્ર તંત્રાદિકથી પણ બોલાવવા શક્તિમાન થયા નહીં એવા આ બાળકને તેમના વાકયામૃતથી જ વાચા પ્રગટી. અહીંયાં ચિત્તને વિષે ચમત્કાર પામવામાં લીન બની ગયેલા લોકોની વચ્ચે રાજા સાશ્ચર્ય પૂછવા લાગ્યો કે, "સ્વામીન્ ! આ શું? ત્યારે કેવળીએ જણાવ્યું કે, "આ બાળકને મૌન રહેવાનું મુખ્ય કારણ પૂર્વભવનું જ છે; હે ભવ્યજનો ! સાવધાનતાપૂર્વક તે સાંભળો :
શુકરાજના પૂર્વભવનું વૃત્તાંત પૂર્વે મલયદેશમાં ભદીલપુર નામનું એક નગર હતું. ત્યાં આશ્ચર્યકારી ચરિત્રવાળો જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા એવો તો દાનવીર અને યુદ્ધવીર હતો કે તેણે પોતાના સર્વ યાચકોને અલંકારયુક્ત અને સર્વ શત્રુઓને કેદ કર્યા હતા. વળી ચાતુર્ય, ઔદાર્ય અને શૌર્યાદિક ગુણોનો તે ભંડાર હતો. એક વખતે તે પોતાના રાજ્ય સિંહાસન પર બેઠો હતો, તેવામાં છડીદારે આવી એવી વિનંતિ કરી કે, "મહારાજ ! વિજયદેવ નામના રાજાનો દૂત આપને મળવાની ઈચ્છાથી દરવાજા આગળ આવીને