________________
૨૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લોભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત-પચ્ચખાણ ભૂલી જઈ ધન કમાવાની દષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણા જણને પ્રાયે વ્યાપાર વખતે એમ જ વિચાર આવી જાય છે કે -
"એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુપે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું."
ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર
અહીં અર્થચિંતા કરવી એમ આગળ કહેવું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થ-ચિંતા કરે છે. કેવલિ-ભાષિત આગમ તેવા સાવદ્ય વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે? અનાદિકાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોકો જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહોરાત્ર ઉદ્યમ કરે છે. તેના એક લાખમાં ભાગ જેટલો પણ ઉદ્યમ જો ધર્મમાં કરે તો શું મેળવવાનું બાકી રહે ?
આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિકલોકો વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પોતાની વિઘાથી, કણબી લોકો ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોકો ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લોકો સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે.
વ્યાપાર
ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ, આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. "ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણાં છે." એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જઈએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
વિધા ઔષધ, રસ, રસાયન, અંજન, વાતુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી વિવિધ પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માંદો પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણો લાભ થાય છે. ઠેકઠેકાણે બહુમાન મળે છે.
કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે; તથા રોગીના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસોના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરુષોના મિત્ર જોષી જાણવા.