________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૪૪
પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યા, તો પણ સજ્ઝાય ગણવાને અનુસારે મધ્યરાત્રિ છે. એમ શેઠ જાણતો હતો, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડયો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણાંતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા, તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં: કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ પકડી રાખે છે, તો પણ ચલે છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું, "હું સંતોષ પામ્યો છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તો પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છોડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડો સોનૈયાની અને રત્નોની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાનો ધોબી, ઘાંચી અને એક કૌટુબિક (ખેડૂત નોકર) એ ત્રણે જણા જો કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તો પણ છએ પર્વોને વિષે પોતપોતાનો ધંધો તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધર્મી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણી આપી, જોઈએ તેટલું ધન વગેરે આપી તેમનો ઘણો આદર-સત્કાર કરતો હતો. કહ્યું છે કે-સુશ્રાવક સાધર્મીનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજનો પણ કોઈ કાળે કરી ન શકે.
આ રીતે શેઠનો ઘણો સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે - જેમ મેરુ પર્વતને વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે, તેમ સત્પુરુષોનો સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાનો હતો, તેથી રાજાના લોકોએ "આજે ધોઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધોબીને ધોવા આપ્યાં. ધોબીએ કહ્યું, "મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધોવા આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે, "રાજાની આગળ તારી બાધા તે શી ? રાજાની આજ્ઞાનો ભંગ થાય તો પ્રાણાંતિક દંડ થશે.”
પછી ધોબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધોવાને માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠે પણ "રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય” એમ વિચારી રાયામિઓોળું એવો આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તો પણ ધોબીએ "દઢતા વિનાનો ધર્મ શા કામનો ?" એમ કહી પોતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કોઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રુષ્ટ થયો, અને "મારી આજ્ઞા તોડશે તો સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ.” એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરોગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ધોબીએ પોતાનો નિયમ બરોબર પાળ્યો. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં.
એજ રીતે કાંઈ ખાસ કામને સારું બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાનો હુકમ આપ્યો. ઘાંચીએ પોતાના નિયમની દૃઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે