________________
છઠ્ઠો પ્રકાશ-જન્મકૃત્ય
जम्मं निवासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं । उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताई ||१४||
जन्म निवासस्थानं त्रिवर्गसिद्धेः कारणं उचितम् ।
उचितं विद्याग्रहणं पाणिग्रहणं च मित्रादि ||१४|| વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે.
નિવાસસ્થાન કેવું અને કયાં રાખવું? ૧. જન્મરૂપ બંદીખાનામાં પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત? તે વિશેષણ વડે કહે છે. જેથી ત્રિવર્ગની એટલે ધર્માર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જ્યાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું, કેમકે, તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે, ભિલ્લ લોકોની પલ્લીમાં, ચોરના રહેઠાણમાં જ્યાં પહાડી લોકો રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લોકોનો આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજ્જનને એબ લગાડનારી છે.
જે સ્થાનકે રહેવાથી મુનિરાજો પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હોય એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લોકો હંમેશાં સારા ધર્મિષ્ઠ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે સપુરુષોની સોબત કલ્યાણને સારું છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકો હોય તથા જળ અને બળતણ પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવું. - ત્રણસો જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શોભતું એવું અજમેરની નજીક હર્ષપુર નામનું એક સારું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણો અને તેમના શિષ્યો છત્રીસ હજાર મોટા શેઠીઆઓ જ્યારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા, ગુણી અને ધર્મિષ્ઠ લોકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, વૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા પ્રાયઃ વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણાં પણ સાક્ષાત્ નજરે જણાય છે. તે માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય, તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી