________________
૩૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવરમંડપમાં પરણી, પણ દુર્દેવથી ચોરીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યફ પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈનધર્મને વિષે ઘણી જ તત્પર રહી.
એક વખતે તે ચોવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંભોગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, "અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયસંભોગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી." વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણા સાધ્વી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. "હવે હું આલોયણા શી રીતે કરીશ? એવી તેને લજ્જા ઉત્પન્ન થઈ."
પરંતુ શલ્ય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલોયણા કરવા પોતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં ઓચિંતો એક કાંટો પગમાં ભાંગ્યો. તે અપશુકન થયા એમ સમજી લક્ષ્મણા મનમાં ખીજવાઈ, અને જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને બહાને પૂછી આલોયણા લીધી, પણ શરમને અંગે અને મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષ્મણાએ પોતાનું નામ જાહેર કર્યું નહિ.
તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે વિગય રહિતપણે છ8, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભોજનવડે બે વર્ષ માસખમણ તપસ્યા સોળ વર્ષ. અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યકક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવોમાં ઘણાં આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે.
કહ્યું છે કે શલ્યવાળો જીવ ગમે તો દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તો પણ શલ્ય હોવાથી તેને તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણો કુશળ એવો પણ વૈદ્ય પોતાનો રોગ બીજા વૈદ્યને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય.
૭. તેમજ આલોયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮. નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે - હે ભગવંત! જીવ આલોયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) ઋજુભાવને પામેલો જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શિલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસકવેદને બાંધતો નથી, અને પૂર્વે બાંધ્યો હોય તો તેની નિર્જરા કરે છે.
આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધ જિતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશ માત્ર ઉદ્ધાર કરી કાઢેલો આલોયણા વિધિ પૂર્ણ થયો છે.