________________
૩૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ જાણે ન હોય? તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્રને પ્રાપ્ત કરે. અને કદાચ જો મોક્ષને પામે નહીં. તથાપિ વૈમાનિક દેવતા તો જરૂર થાય છે.
નળ રાજાના ભાઈ કૂબેરનો પુત્ર નવો પરણ્યો હતો, તો પણ હવે "તારું આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો. હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યો. સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે, થરાદના આભૂસંઘવીએ જેમ અવસરે તે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વાપર્યું.
હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન બને, તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ સ્પંડિલને વિષે (જીવજંતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કેતપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઈન્દ્રપણું પમાય છે.
લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર સુધી, ઝપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાંઈઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે.
પછી સર્વ અતિચારના પરિહારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વાર રૂપ આરાધના એ રીતે કહી છે કે :- ૧. અતિચારની આલોયણા કરવી, ૨. વ્રતાદિક ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા એવો શ્રાવક અઢાર પાપસ્થાનકને વોસિરાવે, ૫. અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬. કરેલા દુષ્કૃતની નિંદા કરવી. ૭. કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮. શુભભાવના ભાવવી, ૯. અનશન આદરવું, અને ૧૦. પંચપરમેષ્ઠિનવકાર ગણવા, એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય છે; કારણ કે, સાત અથવા આઠ ભવ કરે, તેથી વધારે ન કરે એવું આગમવચન છે. ઈતિ અઢારમું દ્વાર તથા સોળમી ગાથાનો અર્થ સંપૂર્ણ
હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે.
एअंगिहिधम्मविहि, पइदिअहं निव्वहंति जे गिहिणे । इहभवि परभवि निबुई-सुहं लहुं ते लहंति धुवं ||१७||