________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૭
છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથા અધિક અંગવાળી પ્રતિમા પોતાની તથા પરની ઉન્નતિનો વિનાશ કરે છે.
જે મૂળનાયકજીમાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઈપણ અવયવનો ભંગ થયો હોય, તે મૂળનાયક'નો ત્યાગ કરવો. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર પરિવાર, લંછન અથવા આયુધ એમનો ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરકત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જુનું હોય તથા ઉત્તમપુરુષે પ્રતિષ્ઠિત કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તો પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીન થતું નથી.
પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતિની શિલાઓ હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કોઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગિયાર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય છે. અગિયાર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે, નિરયાવલિકાસૂત્રમાં કહ્યું છે કે – લેપની, પાષાણની, કાષ્ઠની, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘર દેરાસરમાંની પ્રતિમા આગળ બળિનો વિસ્તાર (નૈવેદ્ય વિસ્તાર) ન કરવો, પણ દરરોજ ભાવથી હવણ અને ત્રણ ટંક પૂજા તો જરૂર કરવી.
સર્વે પ્રતિમાઓ મુખ્યમાર્ગે તો પરિવાર સહિત અને તિલકાદિ આભૂષણ સહિત કરવી. મૂળ નાયકજીની પ્રતિમા તો પરિવાર અને આભૂષણ સહિત હોવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે થાય છે. કહ્યું છે કે – જિનપ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તો, મનને જેમ જેમ આહલાદ ઉપજાવે છે. તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસંખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભોગવાય છે. જેમ કે, ભરતચક્રીએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બન્મેન્દ્ર કરેલ કાંચનબલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવર્તીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરાજતી માણિકચસ્વામીની તથા સ્તંભનપાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે.
કહ્યું છે કે-જળ, ઠંડું અન્ન, ભોજન, માસિક આજીવિકા, વસ્ત્ર, પર્વની આજીવિકા, જાવજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પોરસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજીવ સુધી ભોગવાય એટલું પુણ્ય થાય છે; પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તો તેના દર્શન વગેરેથી થયેલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તીએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઊચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત જ્યાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું.