________________
૩૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠ્ઠાઈ ઉત્સવ કરવો, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષગાંઠને દિવસે સાધર્મિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા ષોડશકમાં તો વળી કહ્યું છે કે ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણીઓને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું.
પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ તેમજ પુત્ર, પુત્રી, ભાઈઓ, ભત્રીજો, પોતાનો મિત્ર, સેવક આદિનો દીક્ષાનો તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરવો. કેમકે-ભરત ચક્રવર્તીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પોતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવચ્ચપુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી-એમાં ઘણું પુણ્ય છે. કેમકે-જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને યોગ્ય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈઓ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું.
પદસ્થાપના ૯. તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પોતા-પુત્ર આદિ તથા બીજા પણ જે યોગ્ય હોય, તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને માટે ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે -અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઈન્દ્ર પોતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર સમાપ્ત.
શ્રુતજ્ઞાનની ભક્તિ ૧૦. તેમજ શ્રીકલ્પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજ વાચના એટલે સંવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથનો આરંભ થાય, તે દિવસે ઘણો ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું, તેથી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહોરાવી તેમને સહાય કરવી. - કહ્યું છે કે – જે લોકો જિનશાસનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકોની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકો મનુષ્યલોકનાં, દેવલોકનાં તથા નિર્વાણનાં સુખ પામે છે. જે પુરુષ કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરુષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કે અહો શ્રુતપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ