________________
૩૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ દીક્ષાનો સ્વીકાર ૧૪. તેમજ દીક્ષાગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એનો ભાવાર્થ એ છે કે – શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તો પોતાને ઠંગેલાની જેમ સમજે. કેમકે-જેમણે સર્વ લોકોને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડ માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે – એકાગ્ર ચિત્તવાળો યોગી અનેક કર્મ કરે, તો પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ.
જેમ પર-પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં આજે અથવા કાલે અને છોડી દઈશ' એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છતી ભોજન-પાન વગેરેથી શરીરનો નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પોતાને અધન્ય માનતો છતાં ગૃહસ્થપણું પાળે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈન દીક્ષા લીધી, તે સતપુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થયેલું છે. તેરમું દ્વાર પૂર્ણ થયું.
ભાવશ્રાવકો કેવા હોય? ભાવશ્રાવકનાં લક્ષણ પણ આ રીતે કહ્યાં છે કે :- ૧. સ્ત્રીને વશ ન થવું, ૨. ઈન્દ્રિયો વશ રાખવી, ૩. ધન અનર્થનો હેતુ છે એમ માનવું, ૪. સંસાર અસાર જાણવો, ૫. વિષયનો અભિલાષ રાખવો નહીં, ૬. આરંભ તજવો, ૭. ગૃહવાસ બંધન સમાન ગણવો, ૮. આજન્મ સમકિત પાળવું, ૯. સાધારણ માણસો ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું, ૧૦. આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧૧. દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચરવો, ૧૨. ધર્મ કરતાં કોઈ અજ્ઞજન હાંસી કરે તો તેની શરમ ન રાખવી. ૧૩. ગૃહકૃત્યો રાગ દ્વેષ રાખીને ન કરવા, ૧૪. મધ્યસ્થપણું રાખવુ, ૧૫. ધનાદિ હોય તો પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬. પરાણે કામોપભોગ ન સેવવા, ૧૭. વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ-શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદોના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ.
૧. અનર્થને ઉત્પન્ન કરનાર, ચપળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણી પોતાનું હિત વાંછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨. ઈન્દ્રિયરૂપ ચપળ ઘોડા હંમેશાં દુર્ગતિના માર્ગે દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યજ્ઞાનરૂપ લગાવડે તેમને ખોટા માર્ગે જતાં અટકાવવા. ૩. અનર્થોનું, પ્રયાસનું, ફલેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરુષે થોડો પણ દ્રવ્યનો લોભ ન રાખવો, ૪. સંસાર પોતે દુઃખરૂપ દુઃખદાયી ફળ આપનાર, પરિણામે દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ