________________
૩પ૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્નાત્રપૂજા વગેરે કરી. અરિહંતનું સ્નાત્ર કર્યું. જન્મ કલ્યાણકને અવસરે જેમ, મેરૂના શિખર ઉપરથી તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય! એવા મુખે મુખકોશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું.
માલતી, કમળ વગેરે ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘોથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થયેલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી ન હોય! એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખા છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે આરતી દીપતી ઔષધિવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી. અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસીજનોની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતો ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયો.
આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થયા અને ફણસ ફળની માફક સર્વાગે વિકસ્વર રોમરાજીવાળા થઈ ત્યાં આવ્યા. પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક ક્રીડા કરતા સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી. મહાપદ્મ ચક્રીએ પણ પોતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારું ઘણા આડંબરથી રથયાત્રા કરી.
કુમારપાળે કરેલી રથયાત્રા કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે - ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતો મેરૂ પર્વત જ ન હોય ! એવો અને સુવર્ણમય મોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતો એવો સુવર્ણમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકો સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે.
વાજિંત્રના શબ્દથી જગતને ભરી દેનાર અને હર્ષથી મંગળ ગીતો ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે, અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય કરી રહેલો ન હોય ! એવા પટમંડપમાં આવીને રહે પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતો નગરમાં ફરે, વગેરે.