________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૬૦
લોકોને યોગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય, તે સર્વપ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધર્મીઓની સારી રીતે સારસંભાળ કરવી. કોઈનું ગાડાનું પૈડું ભાંગે અથવા બીજી કાંઈ હ૨કત આવે તો પોતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી.
દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરોને વિષે સ્નાત્ર, મોટી ધ્વજા ચઢાવવી. ચૈત્યપરિપાટી વગેરે મોટો ઉત્સવ કરવો. જીર્ણોદ્ધાર વગેરેનો પણ વિચાર કરવો. તીર્થનાં દર્શન થયે સોનું, રત્ન, મોતી આદિ વસ્તુ વડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજોને વહોરાવવી. સાધર્મિક-વાત્સલ્ય કરવું. ઉચિતપણે દાન વગેરે આપવું તથા મોટો પ્રવેશોત્સવ કરવો. તીર્થે દાખલ થયા પછી પહેલાં હર્ષથી પૂજા, ઢૌકન વગેરે આદરથી કરવું. અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળ પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવહી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ફૂલઘર, કેલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્ત્રમય ધ્વજાનું દાન, કોઈને હરકત ન પડે એવું દાન(સદાવ્રત), રાત્રિજાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થ પ્રાપ્તિ-નિમિત્ત ઉપવાસ, છ વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી.
જાતજાતનાં ચોવીશ, બાવન, બહોંતેર અથવા એકસો આઠ ફળો અથવા બીજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને ભોજ્ય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદ્ગુઆ, પહેરામણી, અંગલૂછણાં, દીવાને માટે તેલ, ધોતિયા, ચંદન, કેસર, ભોગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, પિંગાનિકા કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દીવીઓ, ચામર, નાળીવાળા કળશ, થાળીઓ, કચોળા, ઘંટાઓ, ઝલરી, પટહ વગેરે વાજિંત્રો આપવાં. સૂતા૨ વગેરેનો સત્કાર કરવો. તીર્થની સેવા, વિણસતા તીર્થનો ઉદ્ધાર તથા તીર્થના રક્ષક લોકોનો સત્કાર કરવો. તીર્થને ગરાસ આપવો. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું. યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધર્મકૃત્યો કરવાં.
યાચકોને દાન આપવાથી કીર્તિમાત્ર થાય છે. એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવું; કેમકે યાચકો પણ દેવના-ગુરુના તથા સંઘના ગુણો ગાય છે. માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવર્તી વગેરે લોકો જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સોનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે-સાડાબાર ક્રોડ સોનૈયા જેટલું, ચક્રવર્તીનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછો વળતો સંઘવી ઘણા ઉત્સવથી પોતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાડ્વાનાદિ ઉત્સવ કરે; અને એક વર્ષ સુધી તીર્થોપવાસ વગેરે કરે. આ રીતે તીર્થયાત્રાનો વિધિ કહ્યો છે.
વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત
શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સંઘમાં એકસો ઓગણસીત્તેર (૧૬૯) સુવર્ણમય અને પાંચસો (૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ (૧૪) મુકુટધારી રાજાઓ