________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૫૫
પોતાના પુત્ર વગેરેનો જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તો સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર, આભૂષણ વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તો પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કોઈનું ધન જતું રહે તો તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરુષની મોટાઈ શા કામની? કેમકે-જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો.
પોતાના સાધર્મિક ભાઈઓ જો ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તમે ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય તો, તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો. કેમકે :- પ્રમાદ કરે તો યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તો નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી અને વારંવાર ચૂકે તો વખતોવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને માટે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવાં.
શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચ-નીચતા શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી.
શંકા - લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, તેઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતુ નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાનો ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તો પ્રત્યક્ષ રાક્ષસી સમાન જ ગણવી. ગુરુ ઉપરનો તથા ભાઈ ઉપરનો સ્નેહ તૂટવાનું કારણ એઓ જ છે. કેમકે – અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિલોભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે-હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે, એમ તું સમ્યફ પ્રકારે જાણ. આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું, એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે?
સમાધાન - "સ્ત્રીઓ જ પાપી હોય છે” એવો એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે પુરુષો પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતજ્ઞ પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે, તેથી સત્પરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાઓ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઈન્દ્રો પણ કરે છે અને મુનિઓ પણ સ્તુતિ કરે છે.