________________
ર૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થયેલા તાપસકુમારે રત્નના હાર સરખી પોતાની કમળ માળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે - "હે શ્રેષ્ઠ કુમાર ! તું જ જગમાં વખાણવા લાયક છે, કારણ કે, તારો પોપટ વચનચાતુરીમાં ઘણો જ નિપુણ છે. તારું સૌભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે; માટે હે કુમાર ! હવે ઘોડા ઉપરથી ઉતર, મારો ભાવ ધ્યાનમાં લઈ મારો પરોણો થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળોથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ નાનું સરખું એક તળાવ છે. આ સઘળો સુંદર વનનો સમુદાય છે, અને અમે તારા તાબેદાર છીએ. મારા જેવા તાપસથી તારી પરોણાગત તે શી થવાની? નગ્ન તપસ્વીના મઠમાં રાજાની આસના-વાસના તે શી થાય? તથાપિ હું મારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે વરખડાનું ઝાડ પોતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું? માટે શીઘ મહેરબાની કરી આજ મારી વિનંતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરુષો કોઈની વિનંતિ કોઈ પણ વખતે ફોગટ જવા દેતા નથી."
રત્નસારના મનમાં ઘોડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતો. પાછળથી જાણે સારા શુકનો જ ન હોય એવાં તાપસકુમારનાં વચનથી તે નીચે ઉતર્યો. પછી તે બન્ને કુમારો જાણે જન્મથી માંડીને જ મિત્ર ન હોય! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા; તે હમણાં પ્રીતિથી એકબીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માંહોમાંહે આલિંગન કરીને મળ્યા. પછી માંહોમાંહે દઢ થયેલી પ્રીતિ તેવી ને તેવી જ રાખવાને અર્થે તે બન્ને જણા એક-બીજાનો હાથ પકડી થોડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા.
પ્રીતિથી માંહોમાંહે હસ્તમેળાપ કરનારા અને કુમારો જંગલની અંદર ક્રીડા કરનાર બે હાથીના બચ્ચાંની જેમ શોભવા લાગ્યા. તાપસકુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવો, ક્રીડા કરવાનાં સ્થાનકો વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં.
ફળોની તથા ફૂલોની ઘણી સમૃદ્ધિ થવાથી નમી ગયેલાં એવાં, પૂર્વે કોઈ સમયે જોવામાં ન આવેલાં, કેટલાંક વૃક્ષો નામ દઈ દઈને તાપસકુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં પછી રત્નસાર, તાપસકુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની જેમ એક નાના સરોવરમાં હાયો. તાપસકુમારે રત્નસારને સારી રીતે હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલ-ફળાદિ લાવી મૂકયાં.
તે આ પ્રમાણે-જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લોકોનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધરી થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળો, ઘણાં નાળિયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળો, ખજૂરનાં ફળો, મીઠાશનું માપ જ ન હોય! એવાં ઘણાં રાયણનાં ફળો, પાકાં ક્ષીરામલકીનાં ફળો, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવા હારબંધ ચારોળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજ ફળો, સારાં મધુર બીજોરાં, સુંદર નારંગીઓ, સર્વોત્કૃષ્ટ દાડમો, પાકાં સાકર નિંબૂ, જાંબૂડાં, બોર, ગૂંદાં, પીલુ, ફણસ, શીંગોડા, સકરટેટી, ચીભડાં પાકાં તથા કાચાં એવાં જુદા જુદા વાલુક ફળો, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્રાક્ષ વગેરેનાં સરસ શરબતો.