________________
૨૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્યને જોડવું અને છોડવું દક્ષ પુરુષોથી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી.
ઠીક જ છે. જળથી ભરેલો નવો મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાનો પૂર્વાપર ક્રમ ક્યાંથી જણાય? બાણ ફેંકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કોઈ કાળે પણ આકુળ-વ્યાકુળ ન થાય એવા તે બન્ને વીરોનાં બાણ જ માંહોમાંહે એક-બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ લાગ્યું નહીં. ઘણો ક્રોધ પામેલા તે બન્ને મહાયોદ્ધાઓનું ઘણા કાળ સુધી સેલ્સ, બાવલ્લ, તરી, તોમર, તબલ, અર્ધચંદ્ર, અર્ધનારા, નારાચ વગરે જાતજાતનાં તી બાણોથી યુદ્ધ ચાલ્ય સંગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ઘણો કાળ સંગ્રામ થયો તો પણ થાકયા નહીં. સરખે સરખા બે જબ્બર જુગારી હોય તો તેમનામાં માંહોમાંહે કોણ કોને જીતે? તેનો જેમ સંશય રહે છે, તેમ તે બન્ને જણામાં કોણ જીતશે? તેનો સંશય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના બળથી અને બીજો દેવતાના બળથી બલિષ્ટ થયેલા, વાલિ અને રાવણ સરખા તે બન્ને યોદ્ધાઓમાં કોનો જય થાય, તે શીધ્ર શી રીતે નક્કી કરાય?
સારી નીતિથી ઉપાર્જન કરેલું ધન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્મનું બળ ઘણું હોવાથી રત્નસારકુમારનો અનુક્રમે જય થયો. તેથી વલખા થયેલા વિદ્યાધર રાજાએ પોતાનો પરાજય થયો એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પોતાની સર્વ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યો. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારો તે વિદ્યાધર રાજા, સહસ્ત્રાર્જુનની માફક કોઈથી ન ખમાય એવો થયો. મનમાં શુદ્ધ વિચાર રાખનારો રત્નસારકુમાર "અન્યાયથી સંગ્રામ કરનાર કોઈપણ પુરુષની કોઈ કાળે જીત ન થાય” એમ ધારી ઘણો ઉત્સાહવંત થયો.
વિદ્યાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વરત્નની ચાલાકીવડે પોતાનો બચાવ કરનારા કુમારે તુરત જ સુર નામે બાણ હાથમાં લીધું. શાસ્ત્રો શી રીતે તોડવાં? તેનો મર્મ જાણનાર કુમારે, અસ્ત્રાવડે જેમ વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તોડી નાંખ્યાં. પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચંદ્ર બાણવડે વિદ્યાધર રાજાના ધનુષ્યના પણ શીધ્ર બે કટકા કર્યા અને બીજા અર્ધચંદ્ર બાણવડે કોઈથી ન ભેદાય એવો વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે, એક વણિકકુમારમાં પણ એવું અલૌકિક પરાક્રમ હતું. લાખના રસ સરખો લોહીનો ઝરનારો અને છાતીમાં થયેલા પ્રહારથી દુઃખી થયેલો વિદ્યાધર રાજા હથિયાર વિનાનો હોવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થયેલા પીપળાના ઝાડ જેવો થયો.
| વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતો, તો પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હોવાને લીધે કોઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાવડે કર્યા. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખો રૂપો પવનના તોફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં. તે સમયે પ્રલયકાળમાં ભયંકર વાદળાં સરખાં તે રૂપોથી સર્વ પ્રદેશ રોકાયેલો હોવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પોતાની નજર ફેરવી ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જોવાય એવો વિદ્યાધર રાજા જ તેના જોવામાં આવ્યો. એટલું થયું તો પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર ભય પણ ન લાગ્યો. ધીર પુરુષો કલ્પાંતકાળ આવી પડે તો પણ કાયર થતા નથી.