________________
૨૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતનો બરાબર નિર્ણય કરવાને માટે તથા તેનું સ્થાનક જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. ધૂર્ત ચોરે પાછળ પડેલા રાજાને કોઈ પણ રીતે તુરત જ ઓળખ્યો. દૈવ અનુકૂળ હોય તો શું ન થાય? ધીઠો અને તુરત બુદ્ધિ એવો તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર ચૂકવીને એક મઠમાં ગયો તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતો. તે મહાશઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઈ પોતાના જીવને ભારભૂત થયેલો ચોરીનો માલ ત્યાં મૂકી કયાંક નાસી ગયો.
ચોરની શોધખોળ કરતો રાજા આમતેમ તેને શોધતો મઠમાં ગયો. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યો. રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, "દુષ્ટ અને ચોર એવા હે દંડચર્મધારી તાપસ ! ચોરી કરી હમણાં જ તું કપટથી સૂઈ રહ્યો છે ! ખોટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.”
રાજાના વજ્રપાત સરખાં આવાં કઠણ વચનથી તાપસ ભયભીત થયો, ગભરાયો અને જાગૃત થયો હતો. તો પણ ઉત્તર દઈ શકયો નહિ. નિર્દય રાજાએ સુભટો પાસે બંધાવીને તેને સવારમાં શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. અરે રે! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ !!! તાપસે કહ્યું "હાય હાય ! હે આર્ય પુરુષ ! હું ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યો જાઉં છું.” તાપસનું કહેવું સારું હતું, તો પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ કોણ રહે! જુઓ રાહુ ચંદ્રમાને એકલો જોઈ ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કોઈ આવતું નથી.
યમના વિકરાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી ઘણી વિટંબણા કરી પ્રાણઘાતક શૂળી ઉપર ચડાવ્યો. અરેરે ! પૂર્વ ભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે ! તાપસ સ્વભાવથી શાંત હતો, તો પણ તેને ઘણો ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તો પણ તેને તપાવીએ તો તે ઘણું ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યોનિમાં ગયો. મરણ વખતે તેવી અવસ્થામાં (રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવોને વ્યંતરની ગતિ મળે છે. હીન યોનિમાં ઉત્પન્ન થયેલા તે દુષ્ટ રાક્ષસે રોષથી ક્ષણમાત્રમાં એકલા રાજાને મારી નાખ્યો. અરેરે ! અણવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે ! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાના અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ તે કોઈ નગરીની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારને કોણ ક્ષમા કરે ? માટે હે વીર પુરુષ ! તારું શુભ ઈચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતા અટકાવું છું.”
રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી તેનું વાક્યાતુર્ય જોઈ આશ્ચર્ય લાગ્યું તો પણ રાક્ષસથી લેશમાત્ર ડર્યો નહિ! વિવેકી પુરુષે કોઈ કાર્ય કરતાં ઉત્સુક કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણો જ ઉત્સુક થયો. પછી કોઈનો ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જોવાના કૌતુકથી જેમ સંગ્રામભૂમિમાં ઉતરે તેમ શીધ્ર તે નગરીમાં ગયો.
આગળ જતાં કુમારે જોયું તો કોઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠના ઢગલા પડયા હતા; યુગલિયાને જોઈએ તેવા પાત્ર આપનાર ભૃગાંગ કલ્પવૃક્ષની જેમ, કોઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા