________________
૩૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. તે પોતાને ઘેર ગયો પણ પાછો પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પોતાનો ધંધો કરવા માંડયો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયો. આ વાનર પોતાના ટોળાનો અગ્રણી બની વાનરીઓ સાથે ક્રીડા કરતો પોતાનો કાળ પસાર કરવા લાગ્યો.
એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડ્યો. અહિં એક મુનિના પગે કંટક વાગ્યો. કાંટો એટલો બધો ઉંડો ઉતર્યો કે તે ખેંચી શકાયો નહિ. પગ સુજી ગયો. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિઓ અટકયા. ઘોર જંગલમાં કોઈ પ્રતિકારનો માર્ગ તેમને દેખાયો નહિ. કાંટાથી વિંધાયેલ મુનિએ બીજાઓને કહ્યું કે, "મારે માટે તમારે બધાએ રોકાઈ રહેવાની જરૂર નથી. આપ સુખેથી પધારો હું અહિં રહ્યોરહ્યો મનથી સમેતશિખરની ભાવના ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ થોડીવાર તો અચકાયા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી તેમ જાણી એકબીજાને ખમાવી સૌ નીકળ્યા.
કંટક વિદ્ધ મુનિ એક શિલાતલને પોતાનો ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા; તેવામાં થોડીવારે કેટલાક વાનરોનું ટોળું આવ્યું. કેટલાક મુનિને મારવા પથરા તો કેટલાકે લાકડાના કરચાઓ ઉપાડયા, તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયો હતો તે ત્યાં આવ્યો. મુનિને જોતાં સ્થંભ્યો. તેને આવા મુનિને કયાંય ને કયાંય જોયા છે. એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવૈદ્યની પેઠે મુનિનો પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કંટક ખેંચી કાઢયો તુર્ત વાનર જંગલમાં ઉપડ્યો અને સંરોહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદેશી કહ્યું,
"હે વાનર ! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તું પ્રયત્ન કરે તો તારું કલ્યાણ સાધી શકે છે, કંબલ અને સંબલે તિર્યચપણામાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યકત્વ મૂળ બારવ્રતને શક્તિ મુજબ આરાધ. જેથી ઘણા પાપો પણ નાશ પામશે. તેમજ બાવ્રતમાં પણ વિશેષે કરીને દેશાવકાશિક વ્રત આરાધવા યોગ્ય છે.
આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયમિત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે, અને બીજાથી નિયમિત કરેલી ભૂમિમાં સર્વવ્રતનાં સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી તે ભૂમિ સિવાય બીજા બધા સ્થળના પાપનો નિષેધ થાય છે.
વાનરનું ચિત્ત દશાવકાસિક ઉપર ચોંટયું, મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને ક્રમે કરી સમેતશિખર પહોંચ્યા વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર સામાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરેમન સ્થિર રાખ્યું. અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મૃત્યુ પામી ભવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયો.