________________
૩OO
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કરે છે. શુક્ર ગુરુનો શત્રુ છે, અને મીનરાશી એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, તેમ છતાં પણ શુક્ર જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરુષ જાગૃત થાય ત્યાં સુધી મારા ભૂતોના ટોળાને બોલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ."
રાક્ષસ એમ વિચાર કરીને ગયો, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણાં ભૂતોનાં ટોળાંને તેડી લાવ્યો, તો પણ કન્યાનો પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરુષ પહેલાંની માફક જ સૂતો હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું, "અરે અમર્યાદ ! મૂઢ! બેશરમ ! નીડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તો મારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી અને ભૂતોના કિલકિલ ધ્વનિથી કુમારની ઉંઘ ઉડી ગઈ, પછી કુમારે સુસ્તીમાં હોવા છતાં કહ્યું કે,
"અરે રાક્ષસ ! જેમ ભોજન કરતા માણસના ભોજનમાં અંતરાય કરવો, તેમ સુખે સૂતેલા મારા જેવા એક પરદેશી માણસની નિદ્રાનો તેં કેમ ભંગ કર્યો? ૧. ધર્મની નિંદા કરનારા, ૨. પંક્તિનો ભેદ કરનારો, ૩. વગર કારણે નિદ્રાનો છેદ કરનારો, ૪. ચાલતી કથામાં અંતરાય કરનારો અને ૫. વગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરુષો અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.”
કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, "આ પુરુષનું ચરિત્ર જગત્ કરતાં કાંઈ જુદા પ્રકારનું દેખાય છે! એવા ચરિત્રથી ઈન્દ્રનું હૃદય થરથર ધ્રુજે, તો પછી બીજા સાધારણ જીવોની શી વાત ! ઘણી આશ્ચર્યની વાત એ છે કે, મારી પાસેથી પોતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નીડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કાંઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું ! કેવું જબરું પરાક્રમ ! કેવી વિઠાઈ ! અને કેવું નીડરપણું ! અથવા ઘણો વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એવો પુરુષ આજ મારો અતિથિ થયો છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરું.”
એમ ચિંતવી રાક્ષસે કુમારના કોમળ પગનાં તળિયાં પોતાના હાથે ઘી સહિત ઠંડા પાણીવડે થોડી વાર મસળ્યાં. કોઈ કાળે જોવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરુષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે! "રાક્ષસ ચાકરની માફક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે." એમ જોઈ કુમારે તુરત જ ઉઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, "હે રાક્ષસરાજ ! તું મોટો સહનશીલ છે, માટે જે કાંઈ મનુષ્યમાત્ર અજાણ એવા મેં કરેલા અપમાનથી મને માફી આપ. હે રાક્ષસરાજ! તારી ભક્તિ જોઈ હું મનમાં ઘણો ખુશી થયો, માટે તું વર માગ. તારું કાંઈ કષ્ટ-સાધ્ય કાર્ય હશે, તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ એમાં શક નથી."
કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલો રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, "અરે ! આ તો વિપરીત વાત થઈ ! હું દેવતા છતાં મારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થયો! મારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે! ઘણી આશ્ચર્યની વાત છે. નવણનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઈચ્છે! આજે કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પોતાનું વાંછિત મેળવવા ઈચ્છે છે! આજે સૂર્ય