________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૭
કાંઈ પણ પત્તો લાગ્યો નહીં. ઠીક જ છે, આકાશમાર્ગે ગયેલાનો પત્તો જમીન ઉપર ક્યાંથી લાગે? હશે, . તથાપિ "કોઈપણ ઠેકાણે કોઈ રીતે પોપટનો પત્તો લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળો નહીં કર્યો. સપુરુષોની પોતાના આશ્રિતને વિષે કેવી લાગણી હોય છે? પોપટ મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું, તે ઋણ પોપટની તપાસ કરતાં કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાંખ્યું કુમારે આ રીતે પોપટની શોધમાં ભમતાં એક આખો દિવસ ગાળ્યો.
બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જોવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય દેદીપ્યમાન કોટવડે ચારે તરફથી વીંટાયેલું હતું, તેની દરેક પોળને વિષે માણિકયરત્નના દરવાજા હતા, રત્નજડિત મોટા મહેલોના સમુદાયોથી તે નગર રોહણ પર્વની બરોબરી કરતું હતું, મહેલ ઉપર હજારો સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્ત્રમુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધથી ખેચાય તેમ નગરની વિશેષ શોભાથી ખેચાયેલો રત્નસારકુમાર તેની પાસે આવ્યો બાવના ચંદનના બારણાં હોવાથી જેની સુગંધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે સુખ જ ન હોય ! એવા ગોપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યો..
એટલામાં દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યો. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, "હે સુંદર સારિકે! તું શા માટે મને વારે છે?" મેનાએ કહ્યું, "હે મહાપંડિત ! તારા ભલાને માટે રોકું છું. જો તારે જીવવાની મરજી હોય તો આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, આ મેના વૃથા મને વારે છે, અમે જાતનાં તો પક્ષી છીએ, તો પણ પક્ષી જાતિમાં ઉત્તમપણું હોતું જ નથી એમ નથી. ઉત્તમ જીવો હેતુ વિના એક વચન પણ બોલતા નથી. હવે તને હું રોકું છું, તેનો હેતુ જાણવાની ઈચ્છા હોય તો સાંભળ.
આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી જાણે બીજો ઈન્દ્ર જ ન હોય એવો પુરંદર નામે રાજા પૂર્વે થયો; કોઈથી ન પકડાય એવો હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવો કોઈક ચોર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતો હતો. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્રો ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડો જેમ નદીના મહાપુરને રોકી ન શકે તેમ તલવાર તથા બીજા રખેવાળ વગેરે મોટા સુભટો તેને અટકાવી શકયા નહિ.
એક દિવસ રાજા સભામાં બેઠો હતો. એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચોરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચઢયો, તેના નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય કલારક્ષકને બોલાવી ઘણો ઠપકો દીધો. તલાક્ષિકે કહ્યું, "હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઈલાજ ચાલતો નથી, તેમ મારો અથવા મારા હાથ નીચેના અમલદારોનો તે ચોર આગળ કોઈ પણ ઉપાય ચાલતો નથી, માટે આપને ઉચિત લાગે તેમ કરો.” પછી મોટો પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પોતે રાત્રિએ છુપી રીતે ચોરની ખોળ કરવા લાગ્યો.
એક વખતે રાજાએ કોઈ ઠેકાણે ખાતર દઈ પાછા જતા તે ચોરને ચોરીના માલ સાથે જોયો. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષો શું ન કરી શકે? ધૂતારો બગલો જેમ માછલી પાછળ છાનોમાનો