________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૩
કામવિકારથી ઘણી પીડાઈ, તો પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, "અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છે એમ માનું છું, માટે તે સ્વામિન્! હું આપને દાનનું એક આ બહાનું આપું છું. એમ આપ નક્કી જાણજો.” એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પોતાનું મૂર્તિમંત મન જ ન હોય ! એવો મોતીનો મનોહર હાર કુમારના ગળામાં પહેરાવ્યો. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણા જ માનથી સ્વીકાર્યો. પોતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હોય છે. હવે, તિલકમંજરીએ શીધ્ર પોપટની પણ પૂજા કરી, ઉત્તમ પુરુષોનું સાધારણ વચન પણ કોઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, "હે કુમાર ! પહેલેથી જ તને તારા ભાગ્યે આપેલી બે કન્યાઓ હું હમણાં તને આપું છું. સારા કાર્યોમાં વિઘ્ન ઘણાં આવે છે. માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બન્ને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર."
ચંદ્રચૂડ દેવતા એમ કહીવર અને કન્યાઓને જાણે શોભાનો સમુદાય જ ન હોય! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરીદેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું; માટે વેગથી પવનને પણ જીતે એવું અતિશય મોટું વિમાન બનાવ્યું. જે વિમાન રત્નોની પહોળી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું. રત્નમય શોભતી ઘુઘરીઓવડે શબ્દ કરનારી સેંકડો ધ્વજાઓ તે વિમાનને વિષે ફરકતી હતી. મનોહર માણિક્ય રત્નોવડે જડેલા તોરણથી તેને ઘણી શોભા આવી હતી. નૃત્યના, ગીતના અને વાજિંત્રના શબ્દથી તે વિમાનની પૂતળીઓ જાણે બોલતી ન હોય ! એવો ભાસ થતો હતો. પાર વિનાની પારિજાત વગેરે પુષ્પોની માળાઓ તેમાં ઠેકાણે ઠેકાણે લટકાવેલી હતી. હાર, અર્ધહાર વગેરેથી અનુપમ શોભા તેને આવી હતી, સુંદર ચામરો તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં તે મણિરત્નો આવેલાં હોવાથી તે પોતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક ગાઢ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમાનમાં ચક્રેશ્વરીદેવી બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાઓ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરીદેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાઓ ગોત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચક્રેશ્વરીએ પતિ-પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશિષ આપી કે - "હે વધૂવર ! તમે હંમેશાં પ્રીતિથી સાથે રહો અને ચિરકાર સુખ ભોગવો. પુત્ર-પૌત્રાદિ સંતતિવડે તમારો જગતમાં ઉત્કર્ષ થાઓ.”
પછી ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરીદેવીએ પોતે અગ્રેસર થઈ ચોરી આદિ સર્વ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓનાં ધવલ ગીતાપૂર્વક યથાવિધિ તેમનો વિવાહોત્સવ મોટા આડંબરથી પૂર્ણ થયો. તે વખતે દેવાંગનાઓએ પોપટને વરના નાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતો ગાયાં, મોટા પુરુષોની સોબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહ મંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીએ કર્યું, તે કન્યાઓનો અને કુમારનો પુણ્યનો ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરીદેવીએ બીજાં સૌધર્માવલંસક વિમાન જ ન હોય ! એવો સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યો.