________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં કરેલાં હોવાથી મનોહર દેખાતો. સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષ્મીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એવો જોવામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગોખથી હજાર નેત્રવાળા ઈન્દ્ર જ ન હોય ! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગોખથી વિંધ્યપર્વત સ૨ખો દેખાતો, કોઈ સ્થળે કર્કેતન રત્નોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતો, કોઈ સ્થળે ઊંચી જાતના વૈસૂર્યરત્ન જડેલા હોવાથી યમુના નદીના જળ જેવો દેખાતો, કોઈ ભાગમાં પદ્મરાગ રત્નો જડેલાં હોવાથી સંધ્યાકાળના જેવો રક્તવર્ણ દેખાતો, કોઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનોવેધક શોભા ધારણ કરતો. કોઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારો, કોઈ સ્થળે, સૂર્યકાંત મણિ જડેલાં હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે અમૃતની વૃષ્ટિ કરનારો એવો તે મહેલ હતો.
૨૯૪
પુણ્યનો ઘણો ઉદય હોવાથી ચક્રેશ્વરીદેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એવો રત્નસારકુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભોગવવા લાગ્યો કે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્યભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસારકુમારે તે તીર્થની ભક્તિથી, દિવ્ય ઋદ્ધિના ભોગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધિપણું મેળવ્યું. ગોભદ્રદેવતાએ શાલિંભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભોગ આપ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણી અજાયબ વાત છે કે, ચક્રેશ્વરીની સાથે કુમારનો માતા, પુત્ર વગેરે કોઈ જાતનો સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભોગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણ્યનો ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે ! ભસ્ત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામભોગ શું નથી ભોગવ્યા ?
એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચક્રેશ્વરીની આજ્ઞાથી કનકધ્વજ રાજાને વધૂ-વરની શુભ વાર્તાની વધામણી આપી. ઘણા હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણાકાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીઘ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાનો પરિવાર લઈ નીકળ્યો. થોડા દિવસમાં કનકધ્વજ રાજા, અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચ્યો.
શ્રેષ્ઠ શિષ્યો જેમ ગુરુને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પોપટ, કન્યાઓ વગેરે લોકોએ શીઘ્ર સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણાકાળથી માતાને જોવા ઉત્સુક થયેલી બન્ને કન્યાઓ, વાછરડીઓ પોતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય-ઋદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણો કિંમતી માન્યો.
રત્નસારકુમારે કામધેનુ સરખી ચક્રેશ્વરીદેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધ્વજ રાજાની સારી રીતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પાછો પોતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતો તો પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી. ઠીક જ છે, દિવ્ય ઋદ્ધિ જોઈ કોનું મન ઠંડુ ન થાય ?