________________
૨૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
"અરે સુભટો ! શૂરવીરતાનો અહંકાર ધારણ કરનારા, પણ ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કોઈ દેવતા કે ભવનપતિ તે શું? અરે રાંક સુભટો ! તમે હવે મારું પરાક્રમ જોતા રહો.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાખનાર ખગ અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખો બાણનો સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારું ધનુષ્ય, એક હાથમાં જાણે પોતાની મૂર્તિમંત યશ જ ન હોય ! એવો ગંભીર સ્વરવાળો શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂ૫ નામને બંધનમાં નાંખનારો નાગપાશ. એક હાથમાં યમરૂપ હાથીના દંત સરખો શત્રુનો નાશ કરનાર ભાલો અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સરખો મોટો મુગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળો બિંદિપાળ, અને બીજા હાથમાં તીક્ષ્ણપણાથી જેની કોઈ બરોબરી ન કરી શકે એવું શલ્ય, એક હાથમાં મોટું ભયંકર તોમર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂં ત્રિશૂળ, એક હાથમાં પ્રચંડ લોહદંડ અને બીજા હાથમાં મૂર્તિમંત પોતાની શક્તિ જ ન હોય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુનો નાશ કરવામાં ઘણો નિપુણ એવો પટ્ટીશ અને બીજા હાથમાં કોઈ પણ રીતે ફુટી ન શકે એવો દુસ્ફોટ, એક હાથમાં વૈરી લોકોને વિન્ન કરનારી શતની અને બીજા હાથમાં પરચક્રને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વીસ હાથમાં અનુક્રમે વીસ આયુધો ધારણ કરી તે વિદ્યાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારો થયો.
વળી એક મુખથી સાંઢ જેમ ત્રાકાર શબ્દ કરે તેમ હોંકારો કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની જેમ ગર્જના કરતો, ત્રીજા મુખથી સિંહ સરખો સિંહનાદ કરતો, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારું અટ્ટહાસ્ય કરતો પાંચમા મુખથી વાસુદેવની માફક મોટો શંખ વગાડતો, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની જેમ દિવ્ય મંત્રોનો જાપ કરતો, સાતમાં મુખથી મોટો વાનર જેમ બુક્કારવ કરે છે, તેમ બુક્કારવ કરતો, આઠમા મુખથી પિશાચની જેમ ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતો, નવમા મુખથી ગુરુ જેમ કુશિષ્યોને તર્જના કરે છે, તેમ પોતાની સેનાને તર્જના કરતો, દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીનો તિરસ્કાર કરે, તેમ રત્નસારકુમારનો તિરસ્કાર કરતો એવો તે વિદ્યાધર રાજા જુદી જુદી ચેષ્ટા કરનારા દશ મુખથી જણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર ન થયો હોય ! એવો દેખાતો હતો.
એક જમણી અને એક ડાબી એવી બે આંખો વડે પોતાની સેના તરફ અવજ્ઞાથી ધિક્કારથી જોતો, બે આંખવડે પોતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતો, બે આંખવડે પોતાના આયુધોને હર્ષથી અને ઉત્કર્ષથી જોતો, બે આંખવડે પોપટને આક્ષેપથી અને દયાથી જોતો, બે આંખવડે હંસી તરફ પ્રેમથી અને સમજાવટથી મયૂરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જોતો, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જોતો, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જોતો, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જોતો એવો તે વિદ્યાધર રાજા પોતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું! પોતાની વીસ આંખવડે ઉપર કહ્યા મુજબ જુદા જુદા વીસ મનોવિકાર પેદા