________________
૨૮૪.
.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તથાપિ હે સુંદરી! દિવ્યદેહને ધારણ કરનારો, હિંડોળા ઉપર ચઢી બેઠેલો, શોભતી ભરજવાનીની અવસ્થામાં આવી પહોંચેલો, લક્ષ્મીદેવી સરખો મનોહર એવો એક તાપસકુમાર શબરસેના અટવીમાં મારા જોવામાં આવ્યો. તે માત્ર વચન મધુરતા, રૂપ, આકાર વગેરેથી તારા જેવો જ હતો.
મોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસકુમારે સ્વાભાવિક પ્રેમથી જે મારો આદરસત્કાર કર્યો, તે સર્વ વાતનો સ્વપ્ન માફક વિરહ થયો. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે મારું મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હોય એમ લાગે છે. તે તાપસકુમાર જ તું છે અથવા તો તમારી બેન હશે, એમ લાગે છે; કેમકે, દૈવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે.” - કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એવો પોપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યો કે, "હે કુમાર! એ વાત પહેલેથી મેં જાણી હતી. અને તને કહી પણ હતી. હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરેખર કન્યા જ છે અને તે પણ એની બહેન જ છે. મારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયો છે, તેથી આજ કોઈ પણ રીતે તેનો મેળાપ થશે.” તિલકમંજરીએ પોપટનાં એવાં વચન સાંભળી કહ્યું કે, "હે શુક! જગતમાં સારભૂત એવી મારી બહેનને જો હું આજે જોઈશ, તો હું નિમિત્તના જાણ એવા તારી કમળવડે પૂજા કરીશ."
આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી "હે ચતુર ! બહુ સારું વચન કહ્યું.” આ પ્રમાણે તે પોપટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નુપૂરથી શોભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળી જ પડતી ન હોય ! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબો આકાશપંથ કાપવાથી થાકી ગયેલી તથા બીજી હંસીઓ અદેખાઈથી, હંસો અનુરાગદષ્ટિથી અને કુમાર વગેરે લોકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસારકુમારના ખોળામાં પડી આળોટવા લાગી અને ઘણી જ પ્રીતિથી જ કે શું? કુમારના મોં તરફ જ જોતી તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાએ બોલવા લાગી. | "સત્ત્વશાળી લોકોની પંક્તિમાં માણિજ્યરત્ન સમાન, શરણે આવેલા જીવો ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર! તું મારી રક્ષા કર, શરણની અર્થી એવી હું શરણે જવા યોગ્ય એવા તારા શરણે આવી છું. કેમકે, મોટા પુરુષો શરણે આવેલા લોકોને વજૂના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખો શીતળ થાય, પરમાણુનો મેરુ થાય, મેરુનો પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઊગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરુષો શરણે આવેલા જીવને કલ્પાંત થયો પણ છોડતા નથી. ધીર પુરુષો શરણે આવેલા જીવોની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે અને પ્રાણને પણ તણખલા જેવો ગણે છે.” - રત્નસારકુમાર કમળ સરખા કોમળ એવા તે હંસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો, "હે હંસી ! બીકણની માફક મનમાં બીક ન રાખ! કોઈ મનુષ્યોનો રાજા, વિદ્યાધરોનો રાજા તથા વૈમાનિક દેવતાનો અથવા ભવનપતિનો ઈન્દ્ર પણ મારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હંસી !