________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
બહેન તારી પેઠે છે. હે વત્સે ! તું મનમાં ખેદ કરે છે તે છોડી દે અને ભોજન કર. અશોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દૈવયોગે તેનો અને તારો મેળાપ પણ થશે. "મારો મારી બહેનની સાથે મેળાપ કયાં, કયારે, કેવી રીતે થશે ?” એમ જો તું પૂછતી હોય તો સાંભળ. વૃક્ષોની બહુભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મોટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે, તે સમૃદ્ધ અટવીમાં કોઈ ઠેકાણે પણ રાજાનો હાથ પેસી શકતો નથી. ત્યાં સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંના શિયાળીયાં પણ અંતઃપુરમાં રહેલી રાણીઓની જેમ સૂર્યને કોઈ કાળે જોઈ શકતાં નથી.
૨૮૩
ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી ઋષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત મોટું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શોભતો રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શોભે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાનો સાર લઈને પ્રતિમા ઘડી કે શું ? કોણ જાણે ! હે તિલકમંજરી તું તે પ્રશસ્ત અને અતિશય જાગતી પ્રતિમાની પૂજા કર. તેથી તારી બહેનનો પત્તો મળશે અને મેળાપ થશે, તેમજ તારું બીજું પણ સર્વ સારૂં જ થશે. દેવાધિદેવ જિનેશ્વર મહારાજની સેવાથી શું ન થાય ? જો તું એમ કહીશ કે "તે દૂર મંદિરે પૂજા ક૨વા દ૨૨ોજ હું શી રીતે જાઉં અને પાછી શી રીતે આવું ?” તો હે સુંદરી ! હું તેનો પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યનો ઉપાય ગડબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તો કાર્ય સફળ થતું નથી, શંકરની જેમ ગમે તે કાર્ય ક૨વા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવો એક મારો ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હંસ સરસ્વતીને લઈ જાય છે. તેમ મારા આદેશથી તે દેવ મયૂરપક્ષિનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.”
ચક્રેશ્વરીદેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથી જ પડયો કે શું ? કોણ જાણે. એવો મધુર કેકારવ કરનારો એક સુંદર પિંછાવાળો મયૂરપક્ષિ કયાંકથી પ્રકટ થયો. જેની ગતિની કોઈ બરોબરી ન કરી શકે એવા તે દિવ્ય મયૂરપક્ષી ઉપર બેસી તિલકમંજરી દેવીની જેમ જિનેશ્વરદેવની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે અને પાછી જાય છે. જ્યાં તિલકમંજરી આવે છે, તે જ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી. તે જ આ મંદિર ! તે જ હું તિલકમંજરી અને તે જ એ મારો વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર ! આ મારો વૃત્તાંત મેં તને કહ્યો. હે ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરો થયો. હું દરરોજ અહીં આવું છું મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં મારી બહેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. હે જગતમાં શ્રેષ્ઠ ! હે કુમાર ! રૂપ વગેરેથી મારા સરખી એવી કોઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ સ્થળે તારા જોવામાં આવી ?”
તિલકમંજરીએ અવો પ્રશ્ન કર્યો ત્યારે રત્નસાર કુમારે વશ થયાની જેમ મધુર સ્વરથી કહ્યું કે, "બીક પામેલી હરણીની જેમ ચંચળ નેત્રવાળી ત્રૈલોકયની અંદર રહેલી સર્વ સ્ત્રીઓમાં શિરોમણી એવી હે તિલકમંજરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્દન તારા જેવી તો કયાંથી ? પરંતુ એક અંશથી પણ તારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં આવશે પણ નહીં કેમકે જગતમાં જે વસ્તુ હોય, તે જ જોવામાં આવે, ન હોય તે કયાંથી આવે ?