________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૧
અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પોની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પોતાનાં નેત્રોનો મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જવા લાગી. યૌવનદશામાં આવેલી અશોકમંજરી ક્રીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશોકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પડેલો ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થયેલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશોકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થયેલો અશોકવૃક્ષ વિકસ્વર પુષ્પોના મિષથી પોતાની રોમરાજી વિકસ્વર, કરવા લાગ્યો કે શું ! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે-હિંડોળા ઉપર બેસી હિંચકા ખાનારી અશોકમંજરી તરુણ પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રોને પણ હિંડોળે ચઢયાં હોય તેમ હિંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમંજરીનાં રત્નજડિત મેખલા આદિ આભૂષણો જાણે પોતે ત્રુટી જશે એવા ભયથી રુદન કરવા લાગ્યાં કે શું! એમ લાગ્યું. . ક્રીડારસમાં નિમગ્ન થયેલી અશોકમંજરી તરફ તરુણ પુરુષો વિકસ્વર રોમરાજીવાળા થઈ અને તરુણ સ્ત્રીઓ મનમાં ઈર્ષા આણી ક્ષણમાત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો ત્રટ ત્રટ શબ્દ કરી અકસ્માતુ તૂટી ગયો, અને તેની સાથે લોકોના મનમાંનો ક્રીડારસ પણ જતો રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળ-વ્યાકુળ થાય છે, તેમ હિંડોળો તૂટતાં જ સર્વ લોકો "આનું હવે શું થશે?" એમ કહી આકુળ-વ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા.
એટલામાં જાણે કૌતુકથી આકાશમાં ગમન કરતી ન હોય ! એવી તે અશોકમંજરી હિંડોળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થયેલી સર્વે લોકોના જોવામાં આવી. તે વખતે લોકોએ, "હાય હાય ! કોઈ યમ સરખો અદશ્ય પુરુષ એને હરણ કરી જાય છે!!” એવા ઉચ્ચ સ્વરે ઘણો કોલાહલ કર્યો. પ્રચંડ ધનુષ્યો અને બાણના સમુદાયોને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશોકમંજરીનું હરણ ઉંચી દષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શકયા નહીં. ઠીક જ છે. અદશ્ય અપરાધીને કોણ શિક્ષા કરી શકે?
કનકધ્વજ રાજા કાનમાં શૂળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વજૂ પ્રહાર થયાની માફક ઘણો દુઃખી થયો. "હે વત્સ ! તું કયાં ગઈ ! તું મને કેમ પોતાનું દર્શન દેતી નથી? હે શુદ્ધ મનવાળી ! પૂર્વનો અતિશય પ્રેમ તે છોડી દીધો કે શું? હાય હાય !!” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતો હતો, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, "હાય હાય! હે સ્વામિન્! અશોકમંજરીના શોકથી જર્જર મનવાળી થયેલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂચ્છ ખાઈને પડી, તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હોય! એવી જણાય છે." કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના બળી ગયેલા ભાગ ઉપર ફોલ્લો થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીધ્ર તિલકમંજરી પાસે આવ્યો.
પછી તિલકમંજરીને ચંદનનો રસ છાંટવા આદિ ઠંડા ઉપચારો કરવાથી મહામહેનતે સચેતન થઈ, અને વિલાપ કરવા લાગી. "મદોન્મત્ત હસ્તિની જેમ ગગન કરનારી મારી સ્વામિની! તું કયાં છે? તું