________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૯
હરણી જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણાકાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઈ, પછી રત્નસારકુમારે તે સ્ત્રીને કહ્યું, "હે સુંદર સ્ત્રી! જો તારા મનને કાંઈ પણ ખેદ ન થતો હોય તો હું કંઈક પૂછું છું.” તે સ્ત્રીએ "પૂછો, કાંઈ હરકત નથી.” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી, બોલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાનો મનોવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો.
"ઘણા સુવર્ણની શોભાથી અલૌકિક શોભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પોતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વજા જેવો કનકધ્વજ નામે રાજા હતો. તે રાજાએ પોતાની અમી નજરથી તણખલાને પણ અમૃત સમાન કર્યા. એમ ન હોત તો તેના શત્રુઓ દાંતમાં તણખલાં પકડી તેનો સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત? પ્રશંસા કરવા જેવા ગુણોને ધારણ કરનારી અને સ્વરૂપથી ઈન્દ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતું એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વપ્ન તેના જોવામાં આવ્યું.
મનમાં રતિ અને પ્રીતિ ઉત્પન્ન કરનારું, રતિ અને પ્રીતિ એ બન્નેનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠીને પ્રીતિથી મારા ખોળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવો સંબંધ હતો. શીધ્ર જાગૃત થયેલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પોતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મોટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન શકાય એવા આનંદપુરથી તે પરિપૂર્ણ ભરાઈ ગઈ. પછી તેણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયું હતું, તેવું સ્વપ્ન કહ્યું. સ્વપ્નવિચારના જાણ એવા રાજાએ પણ સ્વપ્નનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે | "હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારું અને જગતમાં સારભૂત એવું એક કન્યાનું જોડું તને થશે.” એવું વચન સાંભળી કન્યાનો લાભ થવાનો છતાં પણ કુસુમસુંદરીને ધણો જ હર્ષ થયો. ઠીક જ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હોય તો કોને ન ગમે? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ. વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડવર્ણના મિષથી તે નિર્મળ થઈ ન હોય! ગર્ભમાં જડને (પાણીને) રાખનારી કાદંબિની (મેઘની પંક્તિ) જો કૃષ્ણવર્ણ થાય છે, તો ગર્ભમાં મૂઢને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જોડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે બે પુત્રીનું જોડું અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનું અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું નામ રાખ્યું.
જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓ વડે લાલનપાલન કરતી બન્ને કન્યાઓ ત્યાં મોટી થવા લાગી, તે બને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઈ. બુદ્ધિશાળી મનુષ્યોને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર? પહેલેથી તે કન્યાઓની રૂપસંપદામાં કાંઈ ખામી નહોતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શોભવા લાગી. કામદેવે જગતને જીતવા માટે બે હાથમાં પકડવાનાં બે પગ જ ઉજ્વળ કરી રાખ્યાં ન હોય ! એવી તે કન્યાઓની શોભા દેખાતી હતી.