________________
૨૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રત્નસારકુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયો. પૂજાવિધિના જાણ એવા રત્નસારકુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલોવડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી.
"સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહ્યા છે, એવા દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મારો નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થનો ઉપદેશ કરનારા, પરબ્રહ્મ, સ્વરૂપવાન અને પરમ યોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મસ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિદેવને મારા નમસ્કાર થાઓ. મહાત્મા, વંદન કરવા યોગ્ય, લક્ષ્મીનું અને મંગળનું સ્થાનક તથા યોગીપુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મારા નમસ્કાર થાઓ." ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરોજી વિકસ્વર થઈ છે, એવા રત્નસારકુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્ત્વાર્થની પ્રાપ્તિ થવાથી એમ માન્યું કે "મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું."
પછી રત્નસાર કુમાર તૃપાથી મંદિરના આગલા ભગામાં રહેલી શોભારૂપ, પીડાયેલા માણસની જેમ ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શોભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલા રત્નસાર, મદોન્મત્ત ઐરાવત હાથી ઉપર બેઠેલા ઈન્દ્રની જેમ શોભવા લાગ્યો. પછી રત્નસારકુમારે પોપટને કહ્યું કે, "તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી ?" પોપટે કહ્યું કે, "હે મિત્ર ! વિષાદ ન કર, હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શુકન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસકુમાર મળશે." એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણોથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જોનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનોહર, પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર. બીજા મયૂરોને પોતાની અલૌકિક શોભાથી હરાવનાર અને ઈન્દ્રના અશ્વને પણ પોતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર તે સ્ત્રી બેઠી હતી.
સ્ત્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિદેવી જેમ દેખાતી હતી. કમલિનીની જેમ પોતાના સર્વ શરીરમાંથી તે કમળપુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્ત-પલ્લવના કંપાવવાથી. અનેક પ્રકારના અંગ-વિક્ષેપથી, મનનો અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનોહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકિત થયું.