________________
૨૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થયેલા કોણ દેખાતા નથી? પણ પારકા દુઃખથી દુઃખી થનારા પુરુષો ત્રણે જગત્માં હશે તો માત્ર બે-ત્રણ જ હશે.
કહ્યું છે કે-શૂરવીર, પંડિત તથા પોતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢય લોકો, પૃથ્વી ઉપર પગલે પગલે હજારો જોવામાં આવશે, પણ જે પુરુષનું મન પારકા દુઃખી માણસને પ્રત્યક્ષ • જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુઃખી થાય એવા સત્પુરુષો જગત્માં પાંચ કે છ જ હશે,
સ્ત્રીઓ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સપુરુષ સિવાય બીજો કોણ રક્ષણ કરનારો છે? માટે હે કુમાર ! મારી જે હકીકત છે તે હું તારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય?"
તાપસકુમાર આમ બોલે છે, એટલામાં મદોન્મત્ત હાથીની જેમ વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારો, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કોઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘોર ધૂમાડામાં અતિશય ગર્વ કરનારો, ન સંભળાય એવા મહાભયંકર ધુત્કાર શબ્દથી દિશાઓમાં રહેનારા માણસોના કાનને પણ જર્જર કરનારો. તાપસ કુમારના પોતાના વૃત્તાંત કહેવાના મનોરથરૂ૫ રથને બળાત્કારથી ભાંગી નાંખી પોતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારો, અકસ્માતુ ચઢી આવેલા મહાનદીના પૂરની જેમ સમગ્ર વસ્તુને ડુબાડનારો તથા તોફાની દુષ્ટ ઉત્પાત પવનની જેમ ખમી ન શકાય એવો પવન સખત વેગથી વાવા લાગ્યો.
પછી કાબેલ ચોરની માફક મંત્રથી જ કે શું! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસકુમારને હરણ કર્યો, ત્યારે પોપટ અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસકુમારનો વિલાપ માત્ર સાંભળ્યો કે "હાય હાય ! ઘણી વિપત્તી આવી પડી ! સકળ લોકોના આધાર, અતિશય સુંદર, સંપૂર્ણ લોકોના મનનું વિશ્રાંતિ સ્થાનક, મોટા પરાક્રમી, જગની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર ! આ દુઃખમાંથી મને બચાવ ! બચાવ !!!”
ક્રોધથી યુદ્ધ કરવા તૈયાર થયેલો રત્નસાર "અરે પાપી! મારા જીવિતના જીવન એવા તાપસકુમારને હરણ કરીને ક્યાં જાય છે?" એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકરાળ તલવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઈ વેગથી તેની પછવાડે દોડયો ભલે, પોતાને શૂરવીર સમજનાર લોકોની રીતિ એવી જ છે. વિજળીની જેમ અતિશય વેગથી રત્નસાર થોડોક દૂર ગયો, એટલામાં રત્નસારના અદ્ભુત ચરિત્રથી અજાયબ થયેલા પોપટે કહ્યું કે, "હે રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની જેમ કેમ પાછળ દોડે છે? તાપસકુમાર કયાં અને આ તોફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય તેમ આ તોફાની પવન તાપસકુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને પવન કયાં અને કેવી રીતે લઈ ગયો? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપકુમારને અસંખ્ય લક્ષ યોજન દૂર લઈ જઈને કયાંય સંતાઈ ગયો, માટે તું હવે શીધ્ર પાછો ફર.”
ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલો રત્નસાર પોપટના વચનથી પાછો આવ્યો અને ઘણો ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કે "હે પવન મારા પ્રેમનું સર્વસ્વ એવા તાપસકુમારને