________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૩
અધ્વરત્નનો વેગ જોઈ, ચમત્કાર પામી પોતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવા દેખાતાં હતાં. તે મહાઇટવીમાં ભિલ્લની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થે શું ! કિન્નરીની જેમ મધુર સ્વરથી ઉભટ ગીતો ગાતી હતી.
આગળ જતાં રત્નસારકુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસકુમારને સ્નેહવાળી નજરથી જોયો, તે તાપસકુમાર મર્યલોકમાં આવેલા નાગકુમાર જેવો સુંદર હતો; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જોતાંવેંત જ સ્નેહવાળી દેખાતી હતી અને તેને જોતાં જ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી, તે તાપસકુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસારકુમારને જોઈને, જેમ વરને જોવાથી કન્યાના મનમાં લજ્જા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજ્જા, ઉત્સુકતા, હર્ષ વગેરે મનોવિકાર ઉત્પન્ન થયા. ઘણા મનોવિકારથી ઉત્તમ એવો તાપસકુમાર મનમાં શૂન્ય જેવો થયો, તથાપિ કોઈપણ રીતે ધર્મ પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. "હે જગવલ્લભ ! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર અને અમારી સાથે વાતચીત કર.”
તારા નિવાસથી કયો દેશ અને કયું નગરજગતમાં ઉત્તમ અને પ્રશંસા યોગ્ય થયું? તારા જન્મથી કયું કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયું? તારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પની જેમ સુગંધીવાળી થઈ? કે જેની અમે પ્રશંસા કરીએ? એવો સૈલોકયને આનંદ પમાડનારો તારો પિતા ક્યો? તને પણ પૂજવા યોગ્ય એવી તારી માન્ય માતા કોણ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રેષ્ઠ એવો તું જેમની સાથે સંબંધ રાખે છે, તે સજ્જનની જેમ જગતને આનંદ પમાડનારાં તારાં સ્વજન કયાં? જે વડે જગતુમાં તું ઓળખાય છે, તે મોટાઈનું સ્થાનક એવું તારું નામ કયું? તારે પોતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું? કેમકે, તું કોઈ પણ મિત્ર વિના એકલો જ દેખાય છે. બેંજાનો તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું? અને મારી સાથે તું પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?”
તાપસકુમારનું એવું મનોહર ભાષણ પૂર્ણપણે સાંભળતાં એકલો રત્નસાર જ નહીં, પરંતુ ઘોડો પણ ઉત્સુક થયો, તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉભો રહ્યો. ઉત્તમ અશ્વોનું વર્તન અસવારની મરજી મારફ જ હોય છે. રત્નસાર તાપસકુમારના સૌન્દર્યથી અને બોલવાની ચતુરાઈથી મોહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકાયો નહીં. એટલામાં તે ભલો પોપટ વાચાળ માણસની માફક ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યો. જે સર્વ અવસરનો જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ?
પોપટ કહે છે, "હે તાપસકુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે? હાલમાં તેં અહિં કાંઈ વિવાહ માંડયો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુર જ છે, તથાપિ તે તને કહું છું. સર્વ વ્રતધારીઓને ઘેર આવેલો અતિથિ સર્વ પ્રકારે પૂજવાલાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે ચારે વર્ગોનો ગુરુ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનો ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓનો ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોનો ગુરુ ઘેર આવેલો અતિથિ છે; માટે હે તાપસકુમાર ! જો તારું ચિત્ત આ કુમાર ઉપર હોય તો. એની ઘણી પરોણાગત કર. બીજા સર્વ વિચાર કોરે મૂકી દે.”