________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
પંડિતાઈનો મોટો અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી મારી વગર કારણે નિંદા કરે છે ! જો તું તે ઘોડો મેળવીશ, તો તારું ધૈર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયો.
૨૭૧
રત્નસારકુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યો, અને પોતાને ઘણો જ ઠગાયેલો માની આકૂળ-વ્યાકૂળ થઈ શોક કરવા લાગ્યો, પછી ઘરના મધ્ય ભાગમાં જઈ બારણાં દઈ પલંગ ઉપર બેઠો. ત્યારે દીલગીર થયેલા પિતાએ આવી તેને કહ્યું કે, "હે વત્સ ! તને શું દુઃખ થયું ? કાંઈ મનને અથવા શરીરને પીડા થઈ નથી ને ? જો કાંઈ તેવું હોય તો હું તેનો ઉપાય કરૂં” જે હોય તે વાત મને કહે, કેમકે મોતીની પણ કિંમત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં આવાં વચનથી સંતોષ પામેલા રત્નસારે શીઘ્ર બારણાં ઉઘાડયાં, અને જે વાત બની હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી.
પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, "હે વત્સ ! એ અમારો પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિ૨કાલ ફરતાં રખે અમને પોતાના વિયોગથી દુ:ખી કરે” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ઘોડો ઘણી મહેનતે ગુપ્ત રાખ્યો, પણ તે હવે તારા હાથમાં સોંપવો જ પડશે, પરંતુ તને યોગ્ય લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ઘોડો આપ્યો. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમા૨ને ઘોડો મેળવવાથી ઘણો આનંદ થયો, શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે કોને આનંદ ન થાય ? પછી ઘણો બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘોડા ઉપર ચઢયો અને વયથી તથા શીળથી સરખા એવા શોભતા ઘોડા ઉપર બેઠેલા શ્રેષ્ઠમિત્રોની સાથે નગરથી બહાર નીકળ્યો. ઈન્દ્ર જેમ પોતાના ઉચ્ચઃશ્રવા નામના અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, જેની બરાબરીનો અથવા જેથી ચઢિયાતા લક્ષણવાળા ઘોડો જગતમાં પણ નથી. એવા ઉચ્ચઃશ્રવા સમાન તે ઘોડારૂપી રત્નને ઘોડા ફેરવવાના મેદાનમાં ફેરવવા લાગ્યો.
ડાહ્યા એવા કુમારે તે ઘોડાને આક્ષેપથી અનુક્રમે થોરિત, વલ્ગિત, લુત, અને ઉત્તેજિત એ ચાર ગતિમાં (ચાર પ્રકારની ચાલમાં) ચલાવ્યો. પછી શુક્લધ્યાન જીવને પાંચમી ગતિએ પહોંચાડે છે ત્યારે તે જીવ જેમ બીજા સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ઘોડાને આસ્યંદિત નામની ગતિએ પહોંચાડયો, ત્યારે તે ઘોડાએ બીજા સર્વે ઘોડાને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલો એક બુદ્ધિશાળી પોપટ હતો, તેણે કાર્યનો પાર ધ્યાનમાં લઈ વસુસાર શેઠને કહ્યું કે, "હે તાત ! આ મારો ભાઈ રત્નસારકુમાર હાલમાં અશ્વરત્ન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકનો ઘણો રસિક એવો કુમાર ચાલાક મનનો છે; ઘોડો હરિણ સરખો ઘણો ચાલાક અને ચાલતાં જબરા કૂદકા મારનારો છે, અને દૈવની ગતિ વીજળીના ચમકારા કરતાં પણ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનું પરિણામ કેવું આવશે ?
સારા ભાગ્યનો જાણે એક સમુદ્ર જ હોય નહીં ! એવા મારા ભાઈનું અશુભ તો કોઈ ઠેકાણે થાય જ નહીં, તથાપિ સ્નેહવાળા લોકોના મનમાં પોતાની જેના ઉપર પ્રીતિ હોય તેવી બાબતમાં અશુભ કલ્પનાઓ