________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
•
૨૬૯
આચાર્યશ્રીએ કહ્યું, "હે દક્ષ ! જીવ સંતોષની વૃદ્ધિ રાખવાથી આ લોકમાં સુખી થાય છે; પરંતુ બીજી કોઈ રીતે સુખી નથી થતો. સંતોષ દેશથી અને સર્વથી એવા બે પ્રકારનો છે. તેમાં દેશ સંતોષથી ગૃહસ્થ પુરુષોને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અંગીકારથી ગૃહસ્થ પુરુષોને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સંતોષની વૃદ્ધિ તો મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારૂં સુખ આ લોકમાં જ મળે છે.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે – "એક માસના દિક્ષા પર્યાયવાળા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વાણવ્યંતરની, બે માસના દીક્ષાપર્યાયવાળા ભવનપતિની, ત્રણ માસના દીક્ષા પર્યાયવાળા અસુરકુમારની, ચાર માસના પર્યાયવાળા જ્યોતિષીની, પાંચ માસના પર્યાયવાળા ચંદ્ર-સૂર્યની, છ માસના પર્યાયવાળા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસના પર્યાયવાળા સનકુમારવાસી દેવતાની, આઠ માસ સુધી પાળનારા મહેન્દ્ર, બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીયાર માસ સુધી પાળનારા રૈવેયકવાસી દેવતાની તથા બાર માસ સુધી સંયમ પાળનારા અનુત્તરોપપાતિક દેવતાના મનમાં ઉત્પન્ન થયેલ સુખની પ્રાપ્તિનું ઉલ્લંઘન કરે છે."
જે માણસ સંતોષી નથી. તેને ઘણાં ચક્રવર્તિ રાજ્યોથી, અખૂટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનોથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કોણિક રાજા, મમ્મણ શેઠ, હાસા-પ્રહાસાનો પતિ વગેરે મનુષ્યો સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા. કેમકે અભયકુમારની જેમ સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતોષી એવા ચક્રવર્તીને તથા ઈન્દ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જોનારા સર્વે દરિદ્ર થાય છે; પણ નીચે નીચે જોનારા કયા માણસની મોટાઈ વૃદ્ધિ પામી? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતોષને સાધવાને અર્થે તું પોતાની ઈચ્છા માફક ધન-ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણ કર.
ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તો પણ તેથી પાર વિનાનું ફળ મળે છે; પરંતુ નિયમ લીધા વિના ઘણો ધર્મ આચર્યો હોય તો પણ તેથી સ્વલ્પમાત્ર ફળ મળે છે; જુઓ! કૂવામાં માત્ર ઝરણું હોય છે, તો પણ તે નિયમિત હોવાથી તેનું જળ કોઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે માણસે નિયમ લીધો હોય તો સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તો સારી અવસ્થામાં હોય છતાં પણ કદાચ ધર્મકૃત્ય મુકાય છે. તેમજ નિયમ લીધો હોય તો જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દોરડું બાંધવાથી જ જાનવરો પણ ઉભા રહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જુઠ, જળનું જીવિત શીતળપણું અને ભક્ષ્યનું જીવિત ઘૃત છે, માટે ડાહ્યા પુરુષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણો જ મજબૂત પ્રયત્ન કરવો, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની સુખે પ્રાપ્તિ થાય છે."