________________
૨૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રહિત અનુસંગ ધારણ કરવો, પુરુષ પરદેશમાં હોય તો પણ ધર્માચાર્યે કરેલા સમ્યક્ત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઈત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું:
સ્વ-નગર-નિવાસીઓનું ઉચિત
પુરુષ જે નગરમાં પોતે રહેતો હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજીવિકા કરનારા લોકો રહેતા હોય, તે "નાગર" એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. નગરમાં રહેનાર લોકોને દુઃખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પોતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તો પોતે પણ સંકટમાં પડયા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તો પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકો જો કુસંપમાં ૨હે. તો રાજાના અધિકારીઓ તેમને, શિકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તો પણ પોતાની મોટાઈ વધારવા સારું સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી તથા કોઈએ કોઈની ચાડી ન કરવી.
એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તો તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તો પણ યવનની જેમ કોઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂર્ખની જેમ કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે ક૨વા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તો પણ તે જો ઘણી ભેગી થાય, તો તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ બાંધે છે.
મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાનો કોપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કે –એક પટાવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનાર ભારંડ પક્ષીની જેમ કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એક બીજાનાં મર્મોનું રક્ષણ કરતા નથી. તે રાફડામાં રહેલા સર્પની જેમ મરણ પર્યંત દુઃખ પામે છે.
કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તો ત્રાજુઆ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પોતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. પ્રબળ લોકોએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેનો દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લોકો માંહોમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તો ઘણા બલિષ્ઠ લોકો પણ વગડામાંથી જુદા પડેલા સિંહની જેમ જ્યાં ત્યાં પરાભવ જ પામે છે.
માટે માંહોમાંહે સંપ રાખવો એજ સારું છે. કેમકે-માણસોનો સંપ સુખકારી છે, તેમાં પણ પોતપોતાના પક્ષમાં તો અવશ્ય સંપ હોવો જ જોઈએ. જુઓ ફોતરાથી પણ જુદા પડેલા ચોખા ઊગતા નથી. જે