________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૪૭
હોય છે અને સ્ત્રીનો સ્વભાવ એવો હોય છે કે, નજીવી બાબતમાં તે પોતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે વર્તવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે.
મનુએ કહ્યું છે કે-ઉપાધ્યાયથી દસગણા શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે – પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરુષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરુષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા પુરુષો તો જાવજીવ તીર્થની જેમ માને છે. પશુઓની માતા પુત્રને જીવતો જોઈને ફકત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યોથી સંતોષ પામે છે અને લોકોત્તર પુરુષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. હવે ભાઈભાડું સંબંધી ઉચિત આચરણ કહે છે.
ભાઈઓનું ઉચિત પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવો, નાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુ માનવો. "મોટા ભાઈ માફક” એમ કહેવાનું કારણ એ છે કે, “જ્યેષ્ટો ભ્રાતા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે એમ કહ્યું છે, માટે મોટા ભાઈ માફક એમ કહ્યું. જેમ લક્ષ્મણ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા નાના ભાઈએ પણ મોટા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ નાના-મોટા ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણમાં ધ્યાન રાખવું.
ભાઈ પોતાના ભાઈને જુદો ભાવ ન દેખાડે, મનમાંનો સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુ:ખ પડશે ત્યારે ઉપયોગી થશે તે ખ્યાલથી કાંઈ ધનનો સંગ્રહ કરવો જોઈએ, એમ ધારી જો કાંઈ છૂપું રાખે તો એમાં કાંઈ દોષ નથી.
ભાઈને શિખામણ હવે નઠારી સોબતથી પોતાનો ભાઈ ખરાબ રસ્તે ચડે તો શું કરવું, તે વિષે કહે છે.
વિનય રહિત થયેલા પોતાના ભાઈને તેના દોસ્તો પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા વગેરે લોકો પાસે શીખામણ દેવરાવે, પણ પોતે તેનો તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારો ભાવ હોય તો પણ બહારથી તેને પોતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જો તે ભાઈ ઠેકાણે ન આવે તો તેનો એ સ્વભાવ જ છે" એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે.