________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૪૫
તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણો તેમનો અભ્યાસ કરવો. બુદ્ધિનો પહેલો ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યના રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે.
કહ્યું છે કે-જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી જુદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરોડો તરૂણ લોકો પણ તે જાણી શકતા નથી. જુઓ રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. પોતાના મનમાંનો અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવો.
પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જો કદાચ પિતા કોઈ કામ કરવાની ના કહે તો તે ન કરે, કોઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તો પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન કરે.
જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણા માતાના મનોરથ પૂર્ણ કર્યા, તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સદ્ગુરુની સેવા કરવી, ધર્મ સાંભળવો, વ્રત પચ્ચકખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવુ, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોનો ઉદ્ધાર કરવો, વગેરે જે ઈચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે.
પિતાના ધર્મ-મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લોકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કોઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલો ભાર ઉતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનોને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જોડયા વિના ઉપકારનો ભાર હલકો કરવાનો બીજો કોઈ ઉપાય જ નથી.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. તે આ રીતે-૧. મા-બાપના, ૨. ધણીના અને ૩. ધર્માચાર્યના.
માતા-પિતાદિના ઉપકારનો બદલો કોઈ પુરુષ જાવજીવ સુધી પ્રભાતકાળમાં પોતાનાં માબાપને શત પાક તથા સહસ્ત્રપાક તેલવડે અભંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંધોદક, ઉષ્ણોદક અને શીતોદક એ ત્રણ જાતના પાણીથી ત્વવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાક શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન જમાડે, અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે તો પણ તેનાથી પોતાના મા-બાપના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પરંતુ જો તે પુરુષ પોતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તો જ પુરુષથી પોતાનાં માબાપના ઉપકારનો બદલો વાળી શકાય.