________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પહોંચ્યો. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પોતાના પુત્રને ધેર આણ્યો. ઘણા ઉપાય કર્યાં, તો પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યા.
૨૨૨
"જે રાજપુત્રને સાજો કરે તેને હું મારું અર્ધ રાજ્ય આપીશ.” એવો ઢંઢેરો પીટાવવાનો રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, "મહારાજ ! મારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, "વિશ્વાસ રાખનારને ઠગવો એમાં શી ચતુરાઈ ? તથા ખોળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ?”
શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્રે "વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ મૂકયો. "સેતુ(રામે બંધાવેલી સમુદ્રની પાળ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધિ થતો નથી." આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધો. "મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજાં વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂકયો. "રાજન્ ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તો સુપાત્રે દાન આપ, કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર મૂકયો.
પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે, "હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ?” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનંદને કહ્યું કે, "હે રાજન્ ! દેવ-ગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાણ્યો, તેમ આ વાત પણ હું સમજું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યો કે, "શું શારદાનંદન !" સામે "હા"નો જવાબ મળતાં બન્નેનો મેળાપ થયો અને તેથી બન્ને જણાને ઘણો આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
પાપના પ્રકાર
આ લોકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજાં જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજાં મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુપ્તલઘુપાપ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્તમહાપાપ છે.
જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજાં લોકલજ્જા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકો કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુપાપ જાણવું; લજ્જા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે, જાહેર મહાપાપથી શાસનનો ઉડ્ડાહ આદિ થાય છે કુળાચારથી જાહેર લઘુપાપ કરે તો થોડો કર્મબંધ થાય અને જો ગુપ્ત લઘુ પાપ કરે તો તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મન-વચન-કાયાથી