________________
૨૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વ્યવહારશુદ્ધિ અંગે હેલાક શેઠનું દષ્ટાંત એક નગરમાં ફેલાક નામે શેઠ હતો. તેને ચાર પુત્ર હતા, તથા બીજો પરિવાર પણ મોટો હતો. હેલાક શ્રેષ્ઠીએ ત્રણ શેર, પાંચ શેર આદિ ખોટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી ખોટાં તોલ માપ વાપરીને તે લોકોને ઠગતો હતો. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેષ્ઠીને સમજાવ્યા.
શ્રેષ્ઠીએ કહ્યું કે, "શું કરીએ! એમ ન કરીએ તો નિર્વાહ શી રીતે થાય? કહ્યું છે કે ભૂખ્યો માણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે, "હે તાત ! એમ ન કહો, કારણ કે વ્યવહાર શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે. કહ્યું છે કે-લક્ષ્મીના અર્થી સારા માણસો ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તો તેમનાં સર્વ કાર્યધર્મથી જ સિદ્ધ થાય છે, ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત ! પરીક્ષા જોવાને અર્થે છ માસ સુધી વ્યવહાર કરો. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતી થાય તો આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કરવા માંડયું.
વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ગાંઠે ચાર તોલા સોનું થયું. પછી "ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખોવાય તો પણ તે પાછું હાથ આવે છે." એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લોઢું મઢાવીને તેનું એક કાટલું પોતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું, એક માછલી "કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણી તે ગળી ગઈ. ધીવરે તે માછલી પકડી ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શ્રેષ્ઠીને આપ્યું. તેથી શ્રેષ્ઠીને તથા તેના પરિવારના સર્વ માણસોને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો.
આ રીતે શ્રેષ્ઠીને બોધ થયો ત્યારે તે સમ્યફ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી મોટો ધનવાન થયો. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલો પ્રખ્યાત થયો કે-તેનું નામ લીધાથી પણ વિદ્ધ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લોકો વહાણ ચલાવવાની વખતે "હેલા હેલા” એમ કહે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દાંત કહ્યું છે.
કર્મચંડાળ વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું અથવા તેમની થાપણ ઓળવવી, એ તેમની હત્યા કરવા સમાન છે; માટે એ તથા બીજાં મહાપાતકો વિવેકી પુરુષે અવશ્ય વર્જવાં. કહ્યું છે કે-ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ્ન એ ચાર કર્મચંડાળ કહેવાય છે અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહીં વિસેમીરાનો સંબંધ કહીએ છીએ.