________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૩
અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ મોટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુપ્ત પાપ કરે છે.
અસત્યનો ત્યાગ કરનાર માણસ કોઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્યન્તરફ થઈ તે માણસ નિર્લજ્જ થાય છે અને નિર્લજ્જ થયેલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પોતાના ઉપર વિશ્વાસ રાખનારનો ઘાત કરવો આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે-એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તોલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગવો એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે. માટે કોઈને ઠગવાનું સર્વથા તજવું.
ન્યાયમાર્ગને જ અનુસરો ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે-ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થોડું, પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમનો પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકો ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો થોડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટો પોતાનો નાશ જ થાય છે, જુઓ, રોંટના ઘડા છિદ્રથી પોતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાયેલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે.
શંકા - ન્યાયવાન એવા પણ કેટલાક લોકો નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પીડાયેલા દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકો પણ ઐશ્વર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય?
સમાધાનઃ-ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી. - શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે -૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે.
જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની જેમ સંસારમાં દુ:ખ રહિત નિરુપમ સુખ પામે છે, તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું, અજ્ઞાન કષ્ટ કરનારા જીવો કોણિક રાજાની જેમ મોટી ઋદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. જે જીવો દ્રમક મુનિની જેમ પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પાળે છે. તેમને પુણ્યાનુબંધી પાપ જાણવું. જે જીવો કાલશૌકરિકની જેમ પાપી, ઘાતકી કર્મ કરનારા, અધર્મી, નિર્દય, કરેલા પાપનો પસ્તાવો ન કરનાર