________________
૨૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગયેલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. પક્વ અથવા અપક્વ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદું એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. ઘૂંક, ગ્લેખ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયો બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું.
કલ્યાણના અર્થી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું તથા મધ્યાહન સમયે અથવા મધ્યરાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. ક્રરપુરુષ, રખેવાળ, ચાડીયા, કારુલોક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાફ કયાંય પણ ગમન ન કરવું.
લક્ષ્મીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તો પણ પાડા, ગર્દભ, અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથ છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનાર લોકો ઉપર વિશ્વાસ ન રાખવો. સેકડો કાર્ય હોય તો પણ કયાંય એકલા ન જવું. જુઓ-એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરવો.
બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડું જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લોકો ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પોતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણું ધરાવે છે, સર્વે પોતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે.
જ્યાં બંદીવાનોને તથા ફાંસીની શિક્ષા પામેલા લોકોને રાખતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું, જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફોતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષનો અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીનો તથા કૂવાનો કાંઠો અને જ્યાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું. ઘણો પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થયેલો પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતો નથી.