________________
૨૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રકશ્રેષ્ઠીએ સૂર્યમંડલથી આવેલા અચ્છના રખેવાળ લોકોને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટક્રિયાનો પ્રપંચ કરાવ્યો.
પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતો કે-સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લોકો પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘોડો આકાશથી ઉડી જાય. પછી ઘોડા ઉપર સવાર થયેલો રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેષ્ઠીએ પંચવાજિંત્રો વગાડનાર લોકોને ફોડયા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડયાં. એટલે ઘોડો આકાશમાં ઊડી ગયો. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂઝયું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યો અને સુખે વલ્લભીપુરનો ભંગ કર્યો. કહ્યું છે કે-વિક્રમ સંવત્ ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યું, કશ્રેષ્ઠીએ મોગલોને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો.
વ્યવહાર-શુદ્ધિનું સ્વરૂપ અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને માટે ઉદ્યમ કરવો. કેમકે-સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે, વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થનો તો માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તો સર્વે ધર્મકૃત્યો સફળ થાય છે.
દિનકૃત્યકારે કહ્યું છે કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હોય તો આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તો માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે. તથા તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે તે તે કૃત્ય તેનું સફળ થાય પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વ તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પોતાને તથા પરને અતિશય દુર્લભબોધિ કરે છે.
માટે વિચક્ષણ પુરુષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્યો કરવાં કે-જેથી મૂર્ખજનો ધર્મની નિંદા કરે નહીં. લોકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા ઘોડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘોડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જેવો આહાર ભોગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારો પ્રયત્ન કરવો.
દેશવિરૂદ્ધ વળી દેશાદિ વિરુદ્ધ વાતનો ત્યાગ કરવો, એટલે જે વાત દેશવિરૂદ્ધ (દશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી.