________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૭ પાસેથી દાન ન લેવું, દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા છે અને દશ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિ, પુરાણ આદિનાં વચનોથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હું રાજદાન નહીં લઉં.”
પછી મંત્રીએ કહ્યું, "રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાર્ગે મેળવેલું સારૂં નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી." વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહ્મણને બેસવા સારું આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા.
બીજા બ્રાહ્મણો તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, "રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તો કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તો પણ ન્યાયથી ઉપાર્જેલા તેથી ખુટયા નહીં. વળી અક્ષયનિધિની તથા જેમ ક્ષેત્રમાં વાવેલા સારા બીજની જેમ લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સોમ રાજાની કથા છે.
દાન આપતાં થતી ચોલંગી ૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રદાન એ બેના યોગથી પ્રથમ ભાંગો થાય છે, એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સમક્તિ વગેરેનો લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહીં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું.
૨. ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્રદાન એ બેનો યોગ થવાથી બીજો ભાગો થાય છે. એ પાપાનુબંધી પુણ્યનું કારણ હોવાથી એથી કોઈ કોઈ ભવમાં વિષયસુખનો દેખીતો લાભ થાય છે; તો પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. અહીં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે :
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભવોમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વાગ સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારો સેચનક નામે ભદ્ર જાતિનો હાથી થયો. તેણે લાખ બ્રાહ્મણોને જમાડયા ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મદેવલોક જઈ ત્યાંથી આવી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિકપુત્ર થયો. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું તો પણ અંતે તે પહેલી નરકે ગયો.